<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ રદ્દીકરણની કટોકટી વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: 'જનતાને હેરાન કરનારા કોઈ કાયદા કે નિયમો ન હોવા જોઈએ!'

ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાને 'ઈઝ ઑફ લિવિંગ' પર ભાર મૂક્યો; સરકાર ઈન્ડિગોના સ્લોટ્સ ઘટાડશે, નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપી ખાતરી

નવી દિલ્હી, તા.09 : છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હજારો ફ્લાઇટ્સ રદ થવાને કારણે સર્જાયેલી મુસાફરોની કટોકટી વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદા અને નિયમોના ઉપયોગ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય પક્ષની બેઠક દરમિયાન વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, "જનતાને હેરાન કરવા માટે કોઈ નિયમ કે કાયદાનો ઉપયોગ ન થવો જોઈએ." કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પત્રકારોને આ માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાને ફક્ત આર્થિક સુધારાઓ પર જ નહીં, પરંતુ દેશના સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા ("ઈઝ ઑફ લિવિંગ") પર વિશેષ ભાર મૂક્યો છે.
વડાપ્રધાને સાંસદોને માર્ગદર્શન આપતા કહ્યું કે કાયદા અને નિયમો સિસ્ટમને સુધારવા માટે છે, જનતાને હેરાન કરવા માટે નહીં. તેમણે નિર્દેશ આપ્યો છે કે ભારતીય નાગરિક તરીકે કોઈને પણ સરકાર તરફથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ઇન્ડિગો કટોકટી અને સરકારી કાર્યવાહી
પીએમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇન્ડિગો એરલાઇન્સના મોટા પાયે ફ્લાઇટ રદ્દીકરણના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મંગળવારે (તા.09) પણ સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઓછામાં ઓછી 13 ફ્લાઇટ્સ રદ અથવા નોન-ઓપરેશનલ હતી, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર સવારે 8 વાગ્યા સુધીમાં 16 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી. બેંગલુરુ અને હૈદરાબાદથી પણ લગભગ 180 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
આ કટોકટીના પગલે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ઇન્ડિગોના એરપોર્ટ સ્લોટ્સમાં "ચોક્કસપણે" ઘટાડો કરશે. આ સ્લોટ્સ અન્ય સ્થાનિક એરલાઇન્સને સોંપવામાં આવે તેવી શક્યતા છે, જેથી મુસાફરોની અસુવિધા ઓછી કરી શકાય.

 

(4:55 PM IST)