<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

"ચાહે જે થઈ જાય, બંગાળમાં NRC લાગુ નહીં થવા દઉં!": મમતા બેનર્જીએ કૂચબિહારમાં 'એન્ટી-SIR' રેલીમાં કેન્દ્રને આપ્યો સીધો પડકાર

મુખ્યમંત્રીએ સ્ટેજ પર કેન્દ્રનો પત્ર ફાડી નાખ્યો, કહ્યું - SIR અને NRC બંગાળની નાગરિકતા નબળી પાડવાનું ષડયંત્ર; રાજ્યમાં કોઈ ડિટેન્શન સેન્ટર નહીં બને

કૂચબિહાર : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહારમાં આયોજિત એક વિશાળ 'એન્ટી-SIR' રેલી દરમિયાન કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ) અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – મતદાર યાદી સુધારણા) બંને યોજનાઓને બંગાળની નાગરિકતા અને સામાજિક સૌહાર્દને નબળું પાડવાનું "ષડયંત્ર" ગણાવ્યું હતું. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપતા કહ્યું કે, "તમે ચાહે જે કરી લો, બંગાળમાં NRC લાગુ નહીં થવા દઉં. અહીં કોઈ ડિટેન્શન સેન્ટર નહીં બને. અમે બંગાળની રક્ષા કરીશું."
નાગરિકતા સાબિત કરવાની જરૂરિયાત પર સવાલ અને નાટકીય પગલું
મુખ્યમંત્રીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો કે તે ઇરાદાપૂર્વક ખોટા નેરેટિવ બનાવીને લોકોમાં ડર ફેલાવવાનો અને મતદારોના નામ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આકરી ટીકા કરતા કહ્યું, "શું નાગરિકોને વારંવાર પોતાની જ નાગરિકતા સાબિત કરવી પડશે? આ શરમની વાત છે." તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ આડકતરી રીતે પ્રહાર કરતા પૂછ્યું કે એક રાજ્ય (અસમ) બીજા રાજ્ય (બંગાળ)ના નાગરિકોને નોટિસ કેવી રીતે મોકલી શકે. રેલીમાં એક નાટકીય પગલું ભરતાં મમતાએ કેન્દ્ર દ્વારા મોકલેલો તાજેતરનો પત્ર સ્ટેજ પર જ ફાડી નાખ્યો અને કહ્યું, "અમે તમારી ભીખ પર ચાલી રહ્યા નથી. આ નોટિસ નકામી છે. અમે બંગાળની જનતા માટે જાતે કામ કરી રહ્યા છીએ."
ફંડ રોકવા અને ધન-બળની રાજનીતિનો આરોપ
મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર અન્ય મોરચે પણ નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર બંગાળનું ફંડ જાણી જોઈને રોકી રહી છે, મનરેગા (MGNREGA) જેવી યોજનાઓ બંધ કરી રહી છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે ભાજપ પર ચૂંટણી પહેલા "ધન-બળની રાજનીતિ" કરવાનો (જેમ કે ઉઝ્જવલા યોજના કે રોકડના વાયદા) આરોપ લગાવ્યો, જ્યારે તેમની સરકાર લાંબા સમયથી લક્ષ્મી ભંડાર જેવી યોજનાઓ દ્વારા જનતાને મદદ કરી રહી છે.

 

(10:46 PM IST)