<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

રાજસ્થાનના સીકરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત : ગુજરાતી શ્રદ્ધાળુઓની સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર : ૩ના મોત અને ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ

ખાટુ શ્યામજીના દર્શને જઈ રહેલા ગુજરાતી યાત્રીઓને કાળ ભેટ્યો : જયપુર-બીકાનેર હાઈવે પર રાત્રે ૧૦.૪૦ કલાકે દુર્ઘટના : ટ્રક બસના ૧૫-૨૦ ફૂટ અંદર ઘૂસી જતાં રેસ્ક્યૂ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી

 

સીકર, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ : રાજસ્થાનના સીકર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે જયપુર-બીકાનેર નેશનલ હાઈવે ૪૪ પર એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સ્લીપર બસમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા, જેઓ જમ્મુ સ્થિત વૈષ્ણો દેવીના દર્શન કરીને પરત ફરતી વખતે યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે લગભગ ૧૦.૪૦ કલાકે ફતેહપુર નજીક બાંદરી માલથૌન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રક ઝુનઝુનૂ તરફથી બીકાનેર જઈ રહી હતી, જ્યારે બસ બીકાનેર તરફથી જયપુર તરફ આવી રહી હતી. સામસામે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ લગભગ ૧૫-૨૦ ફૂટ સુધી ટ્રકની અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો ખાટુ શ્યામજીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુ હતા. ઘાયલ થયેલા ૧૮ લોકોમાંથી ૧૦ને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે સીકર રિફર કરવામાં આવ્યા હતા. ટક્કરના અવાજથી આસપાસના વાહનો થંભી ગયા હતા અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

 

(9:36 AM IST)