<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

રાહુલ ગાંધી ૧૫ થી ૨૦ ડિસેમ્‍બર સુધી જર્મનીની મુલાકાત લેશે

ભારતીય સમુદાયના સભ્‍યો અને જર્મન મંત્રીઓ સાથે મુલાકાત કરશે

નવી દિલ્‍હી,તા.૦૫: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને ૧૫ થી ૨૦ ડિસેમ્‍બર સુધી જર્મનીની મુલાકાત લેશે. અહેવાલો અનુસાર, તેઓ તેમની મુલાકાત દરમિયાન NRI અને જર્મન મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ઇન્‍ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્‍યક્ષ સેમ પિત્રોડા પણ રાહુલ ગાંધી સાથે હાજર રહેશે.

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ૧૫ થી ૨૦ ડિસેમ્‍બર સુધી જર્મનીની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ ત્‍યાં રહેતા ભારતીય સમુદાયના સભ્‍યો અને જર્મન સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરશે. આ માહિતી ઇન્‍ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC) દ્વારા આપવામાં આવી હતી.

IOC યુનાઇટેડ કિંગડમના મહાસચિવ વિક્રમ દૂહાનના જણાવ્‍યા અનુસાર, રાહુલ ગાંધીની મુલાકાત ભારતની વૈશ્વિક ભૂમિકા, લોકશાહી, વિદેશ નીતિ અને લોકોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્‍વપૂર્ણ પ્‍લેટફોર્મ તરીકે સેવા આપશે. તેમણે જણાવ્‍યું હતું કે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી જર્મન સાંસદો અને ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરશે.

IOC જર્મનીના પ્રમુખ બલવિદર સિહે જણાવ્‍યું હતું કે રાહુલ ગાંધીની સાથે ઇન્‍ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્‍યક્ષ સેમ પિત્રોડા પણ હશે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન NRIs સાથે મુલાકાત કરશે અને ઘણી મહત્‍વપૂર્ણ બેઠકોમાં ભાગ લેશે.

IOC ઓસ્‍ટ્રિયાના પ્રમુખ ઔસફ ખાને જણાવ્‍યું હતું કે રાહુલ ગાંધી ૧૭ ડિસેમ્‍બરે બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં સમગ્ર યુરોપમાંથી ઇન્‍ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખો હાજર રહેશે. ઔસફ ખાને જણાવ્‍યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા, NRIs સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અને પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, ડો. આરતી કૃષ્‍ણા અને અન્‍ય વરિષ્ઠ નેતાઓ પાસેથી માર્ગદર્શન મેળવવા માટે આતુર છીએ.

(10:11 AM IST)