<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

પુતિનની ભારત યાત્રાની ફળશ્રુતિ ? ૩૦ લાખ ભારતીયો માટે રશિયામાં નોકરીના દ્વાર ખૂલ્યા પણ સંરક્ષણ સોદા પર મૌન

ક્રૂડ ઓઈલની ખરીદી અંગે કે અવકાશ અને પરમાણુ સહયોગ અંગે પણ કોઈ નક્કર પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી: એકંદરે આ મુલાકાતને 'મર્યાદિત પરિણામો' વાળી ગણવામાં આવી રહી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હી મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની મજબૂતી ફરી એકવાર જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બંને દેશોની મિત્રતાને 'ધ્રુવ તારા' ગણાવી હતી. જોકે, આ સમિટમાં અપેક્ષા મુજબના મોટા સંરક્ષણ કરારો થયા નથી, પરંતુ આર્થિક મોરચે એક મોટી સફળતા મળી છે. રશિયામાં શ્રમિકોની અછતને પહોંચી વળવા ભારતીય કુશળ કામદારોને ત્યાં મોકલવા અંગે મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાતર ઉત્પાદન અને દરિયાઈ વ્યાપાર કોરિડોર પર પણ બંને દેશો સહમત થયા છે.

પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત અને 'ધ્રુવ તારા' જેવી મિત્રતા:

ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હતી. પ્રોટોકોલના નિયમોને બાજુ પર મૂકીને ભારત સરકારે પુતિનનું સૌથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ એરપોર્ટના ટાર્મેક પર રેડ કાર્પેટ બિછાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેઓને પોતાના નિવાસસ્થાને પોતાની સાથેજ મોટરમાં ખાનગી રાત્રિભોજન માટે લઈ ગયા હતા. ૩૦ કલાકની આ યાત્રાના અંતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમના માનમાં ભોજન સમારોહ યોજ્યો હતો. પીએમ મોદીએ ભારત-રશિયા સંબંધોને 'ધ્રુવ તારા' ગણાવતા કહ્યું હતું કે આ સંબંધો કોઈપણ પરિસ્થિતિમાં અડગ અને સ્થિર છે.

ભારતીય કામદારો માટે રશિયામાં મોટી તક

આ મુલાકાતનું સૌથી મોટું પરિણામ 'લેબર મોબિલિટી એગ્રીમેન્ટ' (શ્રમિક ગતિશીલતા કરાર) સ્વરૂપે આવ્યું છે. રશિયામાં હાલમાં માનવશક્તિની ભારે અછત છે અને દાયકાના અંત સુધીમાં ત્યાં ૩૦ લાખ (૩ મિલિયન) નોકરીઓ માટે માણસોની જરૂર પડશે. આ કરાર હેઠળ ભારતના કુશળ કામદારોને રશિયામાં કામ કરવા માટે જવાનો માર્ગ સરળ બનશે. આ પગલાંથી બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધુ મજબૂત થશે.

વ્યાપાર અને કનેક્ટિવિટી પર ભાર

સંરક્ષણને બદલે આ વખતે આર્થિક સહયોગ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. બંને દેશોએ રાષ્ટ્રીય ચલણમાં (રૂપિયા અને રૂબલ) વ્યાપાર વ્યવહાર પતાવટની પ્રક્રિયાને વધારવા પર સહમતિ દર્શાવી છે. ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક ઇસ્ટર્ન મેરીટાઇમ કોરિડોર અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર દ્વારા દ્વિપક્ષીય વ્યાપાર સરળ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતીય અને રશિયન કંપનીઓએ રશિયામાં યુરિયા પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે કોઈ મોટી જાહેરાત નહીં

પુતિનની મુલાકાત પહેલા એવી અટકળો હતી કે ભારત અને રશિયા વચ્ચે ફાઈટર જેટ, ડ્રોન, મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ જેવા મોટા સંરક્ષણ સોદાઓ થશે. જોકે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ વચ્ચેની બેઠક બાદ કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી. 

તે જ રીતે, ગયા વર્ષે ૬૯ અબજ ડોલરના વ્યાપારમાં ૬૦ અબજ ડોલરનો હિસ્સો ધરાવતા ક્રૂડ ઓઈલની ખરીદી અંગે કે અવકાશ અને પરમાણુ સહયોગ અંગે પણ કોઈ નક્કર પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. 

એકંદરે આ મુલાકાતને 'મર્યાદિત પરિણામો' વાળી ગણવામાં આવી રહી છે.

 

(11:34 AM IST)