હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલ તાલુકો બન્યો ગુરૂભક્તિનો સાક્ષીઃ વાંકિયા ગામે ઢોલ નગારા સાથે ઐતિહાસિક સામૈયું
વાંકિયા ગામે મહંત શ્રી અમરગિરી બાપુની નિશ્રામાં પગપાળા દ્વારકા સુધીની ‘સંકલ્પ સિધ્ધ પદયાત્રાનું ઐતિહાસિક સ્વાગત

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા... ભારતીય સંસ્કળતિમાં ગુરૂનું સ્થાન સર્વોચ્ચ છે. ગુરૂ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની અનેક ગાથાઓ સંત પરંપરાના ઇતિહાસમાં લખાઈ છે, પરંતુ હાલમાં જ શ્રી મહાકાળી આશ્રમ, ચરાડવાના મહંત પરમ પૂજ્ય શ્રી અમર ગિરી બાપુએ આરંભેલી ‘‘સંકલ્પ સિદ્ધ દ્વારકા પદયાત્રા'' એ ગુરૂભક્તિનો એક અનોખો અને વિરલ અધ્યાય ઉમેર્યો છે. સંત પરંપરા અને ગુરૂશિષ્યના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરતી ‘‘સંકલ્પ સિદ્ધ દ્વારકા પદયાત્રા'' નો ભવ્ય પ્રારંભ શ્રી મહાકાળી આશ્રમ, ચરાડવા ખાતેથી થયો છે. આ પદયાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ મહંત પરમ પૂજ્ય શ્રી અમર ગિરી બાપુની ગુરૂભક્તિની પરાકાષ્ઠાનું જીવંત ઉદાહરણ છે.
આ યાત્રાનો મુખ્ય હેતુ બ્રહ્મલીન ગુરૂવર્ય દયાનંદગીરી બાપુની દ્વારકા જવાની અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂર્ણ કરવાનો છે. ગુરૂદેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા દર્શાવતા અમર ગિરીબાપુએ વિરલ સંકલ્પ કર્યો છે. તેઓ ઉઘાડા પગે પદયાત્રા કરી રહ્યા છે અને સૌથી અગત્યની વાત એ છે કે, તેઓ ગુરૂદેવની વીલચેર સાથેની પ્રતિમાને સાથે રાખીને આ યાત્રા કરી રહ્યા છે, જાણે ગુરૂદેવ સ્વયં તેમની સાથે દ્વારકાના દર્શને જઈ રહ્યા હોય.
મોરબીના હળવદ નજીક આવેલા ચરાડવા ગામના સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી આશ્રમના મહંત, પૂજ્ય શ્રી અમરગિરી બાપુએ ૬ ડિસેમ્બરે શરૂ કરેલી ‘‘સંકલ્પ સિદ્ધ યાત્રા'' આજે જ્યારે જામનગર હાઈવે પર આગળ વધીને ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે પહોંચી, ત્યારે ત્યાં અભૂતપૂર્વ અને ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા. ગુરૂભક્તિના આ અદ્વુત ઉદાહરણના સાક્ષી બનતા ધ્રોલ તાલુકાના ઇતિહાસમાં એક સુવર્ણ પાનું ઉમેરાયું છે. સમગ્ર ગામ એકસૂત્રે બંધાઈને બાપુના સ્વાગત માટે ઉમટી પડ્યું હતું. ગામલોકોએ ઢોલ-નગારાના તાલે અને ભક્તિના ભાવ સાથે પૂજ્ય બાપુનું ભવ્ય અને ઐતિહાસિક સામૈયું કરી સન્માન કર્યું હતું.
ગ્રામ અગ્રણી શ્રી ચમનભાઈ કુંવરજીભાઈ ભીમાણીની આગેવાનીમાં ગ્રામજનો ઉમળકાભેર ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલ સાથે પૂજ્ય બાપુનું સામૈયું કરી સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પાણી, નાસ્તો અને અન્ય વ્યવસ્થા પૂરી પાડીને પદયાત્રીઓની સેવા કરી હતી, જે ગામની ધર્મ પ્રત્યેની અતુટ આસ્થાના દર્શન કરાવે છે.
આ ભવ્ય સ્વાગત કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ જેમાં શ્રી કિરીટકાકા ગણાત્રા (અકિલાના મોભી), ધ્રોલ-જોડિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી ડાયાભાઈ ભીમાણી, વાંકિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમેશભાઈ ભીમાણી, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દેવકણભાઈ ભાલોડીયા, જામનગર જીલ્લા ભાજપ ઉપાઅધ્યક્ષ ડી.ડી. જીવાણી, કે.પી.ભાઈ ભીમાણી ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી, તથા વાંકિયા ગામના પુજારી કિશોર બાપુ, તથા મહાનુભાવો સહિત સ્વયંભૂ ગ્રામજનો દ્વારા પૂજ્ય અમરગીરીબાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પદયાત્રીઓ માટે વાંકિયા પટેલ સમાજ ખાતે આરામ અને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ગુરૂની ઈચ્છા પૂર્તિ માટે શિષ્ય દ્વારા શરૂ કરાયેલી આ પદયાત્રા આગામી દિવસોમાં જ્યાં જ્યાં પસાર થશે, ત્યાં ત્યાં ભક્તિના નવા માહોલનું સર્જન કરશે.
આ પાવન અવસરે કિરીટકાકાએ બ્રહ્મલીન શ્રી દયાનંદગીરી બાપુની વીલચેર પરની પ્રતિમાના આશીર્વાદ લીધા તેમજ પ.પૂ. મહંત શ્રીઅમરગિરીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય શ્રી ડાયાભાઈ ભીમાણીએ કિરીટકાકાને ભાવભેર શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. આ તકે અનેક મહાનુભાવો અને ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ અહેવાલ
સંજય ડાંગર
ધ્રોલ (જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
