News of Wednesday, 10th December 2025
મોટી રાહત! બાયજુના સહ-સ્થાપક બાયજુ રવિચંદ્રન સામે યુએસ કોર્ટે 1 બિલિયન ડોલરનો નુકસાનીનો ચુકાદો ઉલટાવ્યો, જાન્યુઆરી 2026માં નવો તબક્કો શરૂ થશે
ગયા મહિને ડેલવેર નાદારી અદાલતે સહકાર ન આપવા બદલ લગાવ્યો હતો દંડ; રવિચંદ્રન લેણદારો સામે વળતો દાવો કરવાની તૈયારીમાં

નવી દિલ્હી : દેવામાં ડૂબેલી એડટેક કંપની બાયજુ (Byju's) ના સહ-સ્થાપક બાયજુ રવિચંદ્રનને યુએસ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. યુએસ કોર્ટે ગયા મહિને તેમના સામે લાદવામાં આવેલી 1 બિલિયન યુએસ ડોલર (લગભગ 8,300 કરોડ રૂપિયા) થી વધુની નુકસાનીના એવોર્ડને ઉલટાવી દીધો છે. આ ચુકાદો ગયા મહિને ડેલવેરની નાદારી અદાલતે આપ્યો હતો, જેને રવિચંદ્રને પડકાર્યો હતો.
બાયજુનું સંચાલન કરતી કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપકોએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. ગયા મહિને કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રવિચંદ્રને 2021માં મળેલી 1.2 બિલિયન યુએસ ડોલરની ટર્મ લોનમાંથી લગભગ અડધા ભાગની રકમ શોધવા માટે કાનૂની પ્રયાસોમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે દંડ લાદવામાં આવ્યો હતો. જોકે, રવિચંદ્રને આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
કોર્ટે શા માટે ચુકાદો ઉલટાવ્યો?
રવિચંદ્રને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમને પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે યુએસ વકીલની વ્યવસ્થા કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો ન હતો. આ દલીલને ધ્યાનમાં લેતા, ડેલવેર કોર્ટે રવિચંદ્રન સામેનો 1 બિલિયન ડોલરથી વધુનો ચુકાદો ઉલટાવી દીધો છે.
નિવેદન મુજબ, રવિચંદ્રને 20 નવેમ્બર, 2025ના ચુકાદામાં સુધારો કરવા માટે અરજી દાખલ કરી હતી અને નવી અરજીઓ પણ સબમિટ કરી હતી. કોર્ટે હવે રવિન્દ્રન સામેના દાવાઓ સંબંધિત કોઈપણ નુકસાની નક્કી કરવા માટે જાન્યુઆરી 2026ની શરૂઆતમાં એક નવો તબક્કો શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
લેણદારો સામે વળતો દાવો:
આ વર્ષની શરૂઆતમાં, બાયજુના લેણદારો, જેમાં ગ્લાસ ટ્રસ્ટનો સમાવેશ થાય છે, તેમણે રવિન્દ્રન, તેમની પત્ની દિવ્યા ગોકુલનાથ અને અન્ય એક સહયોગી અનિતા કિશોર સામે લોનની રકમમાં 533 મિલિયન ડોલરની ચોરી કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો.
નિવેદનમાં જણાવાયું છે કે રવિચંદ્રન હવે આ કૃત્ય માટે ગ્લાસ ટ્રસ્ટ અને અન્ય લોકો સામે વધુ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે. રવિચંદ્રને અગાઉ ગ્લાસ ટ્રસ્ટ પર $2.5 બિલિયનનો દાવો કરવાની યોજના પણ વ્યક્ત કરી હતી. તેમના કાનૂની સલાહકાર માઈકલ મેકનટે કહ્યું કે "બાયજુ રવિન્દ્રન વાદી (ગ્લાસ ટ્રસ્ટ કંપની LLC) ને એક પણ ડોલરનું નુકસાન ચૂકવવા માટે જવાબદાર નથી."
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
