News of Thursday, 11th December 2025
રશિયા-યુક્રેન યુદ્ધ ભયાનક તબક્કામાં: સેન્ટ પીટર્સબર્ગમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગઃ મોસ્કો પર ૩૧ ડ્રોન હુમલા નિષ્ફળ
યુક્રેનિયન ડ્રોનને રશિયન એર ડિફેન્સે હવામાં જ તોડી પાડયાઃ વિજય દિવસની પરેડ પહેલા થયેલા હુમલાઓથી રશિયામાં હડકંપ

મોસ્કો, તા.૧૧: રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં એક શોપિંગ કોમ્પ્લેક્સમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. બીજી તરફ રાજધાની મોસ્કો તરફ આવી રહેલા ૩૧ યુક્રેનિયન ડ્રોનને રશિયન એર ડિફેન્સે હવામાં જ તોડી પાડ્યા હતા. વિજય દિવસની પરેડ પહેલા થયેલા આ હુમલાઓથી રશિયામાં હડકંપ મચી ગયો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે બુધવારે રાત્રે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, સેન્ટ પીટર્સબર્ગના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં જોરદાર ધડાકા સંભળાયા હતા, જેના કારણે સમગ્ર ઈમારત આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગના ધુમાડાને કારણે એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જ્યારે જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકો મારનાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતો. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને ટેલિગ્રામ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, મોસ્કો તરફ આગળ વધી રહેલા ૩૧ ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ્સે તોડી પાડ્યા છે. આ તમામ ડ્રોન લગભગ સાડા ત્રણ કલાકના સમયગાળામાં તોડી પાડવામાં આવ્યા હતા.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
