<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

યુટ્‍યૂબ પર વીડિયો જોઈ મહિલાનું પથરીનું ઓપરેશન કર્યું, બીજા દિવસે મહિલાનું મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ઓપરેશન કરનારા ઝોલાછાપ ડોક્‍ટરની બેદરકારીએ એક મહિલાનો જીવ લઈ લીધો

બારાબંકી તા.૧૧: ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી એક ભયાનક કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં યુટ્‍યુબ જોઈને ઓપરેશન કરનારા ઝોલાછાપ ડોક્‍ટરની બેદરકારીએ એક મહિલાનો જીવ લઈ લીધો. આખો મામલો કોઠી વિસ્‍તારના ડફરાપુર મજરા સૈદનપુરનો છે. પીડિત ફતેહ બહાદુરે જણાવ્‍યું કે તેની પત્‍ની પાંચ ડિસેમ્‍બરના રોજ બપોરે મુનિશરા રાવતને પેટમાં દુખાવો થયો હતો. તેથી તે કોઠી બજારમાં આવેલા શ્રી દામોદર ઔષધાલય હોસ્‍પિટલે લઈ ગયો હતો. જેનું સંચાલન જ્ઞાન પ્રકાશ મિશ્રા અને વિવેક મિશ્રા કરે છે. તપાસ દરમિયાન જ્ઞાન પ્રકાશે પથરી હોવાનું કહી ૨૫ હજારનો ખર્ચો બતાવ્‍યો અને આખરે ૨૦ હજારમાં ઓપરેશન કરવાની વાત ફાઇનલ થઈ.

આરોપ છે કે પૈસા લીધા બાદ જ્ઞાન પ્રકાશે દારૂના નશામાં યુટ્‍યુબ પર વીડિયો જોઈ મહિલાનું ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન તેણે ગંભીર બેદરકારી દાખવતા પેટમાં ઊંડા ચીરા લગાવી દીધા. નાનું આંતરડું, નળીઓ અને કેટલીય નસ કાપી નાખી. ઓપરેશન બાદ મહિલા આખી રાત દુખાવાથી તડપતી રહી અને બીજા દિવસે હોસ્‍પિટલમાં તેનું મોત થઈ ગયું.

મહિલાના મોતથી હોસ્‍પિટલના સંચાલક જ્ઞાન પ્રકાશ મિશ્રા અને તેનો પરિવાર મહિલાને એ જ હાલતમાં મૂકીને ભાગી ગયા. સૂચના મળતા પોલીસ પણ ઘટનાસ્‍થળે આવી પહોંચી અને ઘટનાની તપાસ કરી. ડોક્‍ટરની પેનલ પાસે પોસ્‍ટમોર્ટમ પણ કરાવ્‍યું. નવ ડિસેમ્‍બરના રોજ મૃતકના પતિ ફતેહ બહાદુરે કોઠી વિસ્‍તારના બંને સંચાલક પ્રકાશ મિશ્રા અને વિવેક મિશ્રા વિરુદ્ધ હત્‍યા અને એસસી/એસટી એક્‍ટમાં ફરિયાદ નોંધાવી છે. પતિનો આરોપ છે કે હોસ્‍પિટલ નકલી છે અને આરોપીઓ પાસે કોઈ પણ પ્રકારની મેડિકલની ડિગ્રી પણ નથી.

આ ઘટના બાદ એસીએમઓ ડો. એલબી ગુપ્તા અને સીએચસી સિદ્ધોર પ્રભારી ડો. સંજય પાંડેયે ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્‍પિટલમાં પહોંચ્‍યા અને ત્‍યાં નોટિસ ફટકારી એક અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ થશે તેવી ખાતરી આપી છે.

(10:30 AM IST)