<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અણ્ણા હજારે ફરી મેદાનમાં : મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ ન થતાં નારાજગી : ૩૦ જાન્યુઆરીથી રાલેગણસિદ્ધિમાં આમરણાંત અનશનનું એલાન

અણ્ણાએ કહ્યું- '૨૦૨૨માં આપેલા વચનોનું સરકારે પાલન ન કર્યું, હવે આ આંદોલન આખરી હશે' : દેવેન્દ્ર ફડણવીસને ૭ વખત પત્ર લખવા છતાં કોઈ જવાબ ન મળતાં કાયદા માટે નિર્ણાયક લડાઈ શરૂ કરવાની જાહેરાત

 

અહમદનગર, તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ : જાણીતા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ એકવાર ફરી મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. અહમદનગરના રાલેગણસિદ્ધિ ખાતે પત્રકારો સાથે વાત કરતા અણ્ણા હજારેએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ ૩૦ જાન્યુઆરીથી આમરણાંત અનશન પર બેસશે. તેમણે આ વખતે આ આંદોલનને 'આખરી લડાઈ' ગણાવ્યું છે.
અણ્ણા હજારેએ મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ ન થવા બદલ ગહન નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આ કાયદો જનતાની ભલાઈ માટે અત્યંત જરૂરી છે, છતાં સરકાર તેને લાગુ કરવામાં વિલંબ કરી રહી છે.
હજારેએ યાદ અપાવ્યું કે ૨૦૨૨માં પણ તેમણે લોકાયુક્ત કાયદાની માંગ સાથે અનશન કર્યું હતું. તે સમયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય કૃષિ મંત્રીના હસ્તક્ષેપ બાદ તેમણે અનશન સમાપ્ત કર્યું હતું. તે વખતે ફડણવીસ સરકારે એક સમિતિની રચના કરી હતી અને કાયદાનો ડ્રાફ્ટ પણ તૈયાર કરાયો હતો. બંને ગૃહોમાં કાયદો પસાર થયા બાદ ફાઇલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી હતી.
આટલું બધું થયા છતાં આજ દિન સુધી કાયદો લાગુ ન થતાં, અણ્ણા હજારેએ સરકારની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, તેમણે દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે સાત વખત પત્ર લખીને જવાબ માંગ્યો હતો, પરંતુ તેમને કોઈ પ્રતિક્રિયા મળી નથી. હજારેએ સ્પષ્ટતા કરી કે જો કાયદો જનતાના હિતનો હોય, તો સરકારે તેને લાગુ કરવામાં વિલંબ ન કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર માત્ર દેખાડો કરવા માટે નહીં, પણ જનતાની ભલાઈ માટે હોય છે. આથી, તેઓ હવે લોકાયુક્ત કાયદા માટે નિર્ણાયક લડાઈ શરૂ કરશે.

 

(9:32 AM IST)