<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જીએસટી નંબર સસ્‍પેન્‍ડ થયો હોવા છતાં સરળતાથી બનતા ઈ-વે બિલ

રિટર્ન ભરી શકાય નહીં પરંતુ ઇ-વે બિલ બનાવવામાં કોઇ તકલીફ પડતી નહોતી : કેન્‍દ્ર સરકારને ધ્‍યાને આવતા તાત્‍કાલિક ઇ-વે બિલ બનાવવાની સિસ્‍ટમ સુધારી

નવી દિલ્‍હી તા.૧૨: સરકાર જીએસટી સિસ્‍ટમ સુધારવા માટે અનેક પગલાં ભરી રહી હોવા છતાં નાની નાની બાબતોમાં રહેલી ભૂલનો ફાયદો કૌભાંડીઓ ઉઠાવતા હોય છે. તેવામાં ઇ-વે બિલ બનાવવામાં ત્રણ મોટી ખામી બહાર આવી હતી. આ ખામીઓની જાણકારી સરકારને થતાં તેમાં તાત્‍કાલિક અસરથી સુધારો કરવામાં આવ્‍યો છે. તેમાં ખાસ કરીને જે વેપારીનો જીએસટી નંબર સસ્‍પેન્‍ડ થઈ ગયો હોય છતાં પણ સરળતાથી ઈ-વે બિલ બનાવી શકતો હતો. જોકે હવે તે ખામી દૂર કરી દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

જીએસટી નંબર સસ્‍પેન્‍ડ થાય એટલે વેપારી રિટર્ન ફાઇલ કરી શકતો નથી. તેના કારણે તેવા વેપારી પાસેથી વસ્‍તુની ખરીદી કરનાર વેપારીને ક્રેડિટ પણ મળતી નથી. જોકે જીએસટી નંબર સસ્‍પેન્‍ડ થયો હોય તે વેપારી સરળતાથી ઈ-વે બિલ બનાવી શકતો હોય છે. તેના કારણે જીએસટી પોર્ટલમાં રહેલી ખામીનો સીધો ફાયદો કૌભાંડીઓ ઉઠાવતા હોય છે. આ ઉપરાંત એક જ ઇનવોઇસ હોવા છતાં અલગ અલગ ઇ વેબિલ બનાવી શકાતા હતા. જે વ્‍યક્‍તિ રિટર્ન ફાઇલ નથી કરતો તે વ્‍યક્‍તિ પણ ઈ-વે બિલ બનાવી શકતો હતો. આવી ખામીઓનો લાભ કૌભાંડીઓ લઇ રહ્યા હોવાની જાણકારી સરકારને મળતા તાત્‍કાલિક અસરથી સિસ્‍ટમમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સિસ્‍ટમ સુધારવામાં આવી તે પહેલા તેનો લાભઅનેક લોકોએ લીધો હોવાની પણ વિગતો જાણવા મળી છે. તેના કારણે જ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં વિલંબ થતો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

 સરકાર દ્વારા ઇ-વે બિલમાં આ સુધારા કરાયા

- હવે એક જ દસ્‍તાવેજ નંબર અને તારીખ સાથે એકથી વધારે ઇ-વે બિલ બનશે નહીં - ૧૮૦ દિવસથી જૂના દસ્‍તાવેજો માટે ઇ-વે બિલ જનરેટ કરવાની મંજુરી નહીં આપવામાં આવે - નોન-ફાઇલર્સનું ઇ-વે બિલ જનરેશન અગાઉની ત્રણ રિટર્ન ફાઇલ ન થાય ત્‍યાં સુધી બ્‍લોક રહેશે. રદ થયેલા GSTIN પરથી ઇ-વે બિલ બનાવવાનું સંપુર્ણપણે અટકાવવા ચકાસણી વ્‍યવસ્‍થા મજબુત બનાવવામાં આવી છે.

 

(11:48 AM IST)