<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

પાકિસ્તાનમાં આતંકી હુમલો: ખૈબર પખ્તુનખ્વાની પોલીસ ચોકી પર ટીટીપીનું અંધાધૂંધ ફાયરિંગ, ૫ જવાનો ગંભીર ઘાયલ, જવાબી કાર્યવાહીમાં અનેક લડાકૂઓ માર્યા ગયા

પાકિસ્તાનના અશાંત ગણાતા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા ફરી એકવાર પોલીસ દળને નિશાન બનાવવામાં આવ્યું છે. બન્નુ જિલ્લામાં આવેલી એક પોલીસ ચોકી પર આતંકીઓએ કરેલા હુમલામાં ૫ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સામા પક્ષે પોલીસે પણ વળતો પ્રહાર કરતા સંખ્યાબંધ હુમલાખોરોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર આતંકી હુમલાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાજેતરમાં મળતી સત્તાવાર વિગતો મુજબ, બન્નુ જિલ્લાના હવાઈદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી  પોલીસ ચોકી પર ગુરુવારે મોડી રાત્રે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે સંકળાયેલા જૂથે લીધી છે, જેને પાકિસ્તાન સરકાર હવે ‘ફિતના અલ ખવારિજ’ તરીકે ઓળખાવે છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આતંકીઓએ રાત્રિના અંધકારનો લાભ લઈ પોલીસ ચોકી પર ગોળીબાર શરૂ કર્યો હતો. જોકે, ત્યાં તહેનાત પોલીસ જવાનોએ બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો અને આ અથડામણ લગભગ ૩ કલાક સુધી ચાલી હતી. આ સામસામે થયેલા ગોળીબારમાં પોલીસને મળેલી સફળતા અંગે દાવો કરવામાં આવ્યો છે કે જવાબી કાર્યવાહીમાં અનેક હુમલાખોરો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ પણ થયા છે.

આ હુમલામાં ફરજ પરના ૫ પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર ૨૦૨૨ માં ટીટીપી દ્વારા સરકાર સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યા બાદ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં પોલીસ અને સુરક્ષા દળો પરના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

 

(3:04 PM IST)