હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કાશ્મીરમાં 'નો સ્નો' ઈફેક્ટ: બરફવર્ષામાં વિલંબ થતાં ભારતીય સેના 'હાઈ એલર્ટ' મોડ પર: માઈનસ ડિગ્રીમાં દુર્ગમ પહાડો પર પેટ્રોલિંગ ડબલ કરાયું

કુદરતી સુરક્ષામાં ઘટાડો: સામાન્ય રીતે ડિસેમ્બરમાં થતી ભારે હિમવર્ષા ઘૂસણખોરીના રસ્તાઓ બંધ કરી દેતી હોય છે, પરંતુ આ વખતે બરફ ઓછો હોવાથી પાકિસ્તાની આતંકીઓ માટે ઘૂસણખોરીના રસ્તા ખુલ્લા છે.
ટેકનોલોજીનો ઉપયોગ: ગાઢ ધુમ્મસ અને રાત્રીના અંધકારમાં દુશ્મનોને શોધી કાઢવા સેના ડ્રોન, સેન્સર્સ અને થર્મલ ઈમેજિંગ કેમેરાનો ઉપયોગ કરી રહી છે.
વિન્ટર ગ્રીડ સક્રિય: સેનાએ 'વિન્ટર સિક્યુરિટી ગ્રીડ' હેઠળ અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં બંકરો અપગ્રેડ કર્યા છે અને લોજિસ્ટિક્સનો સ્ટોક કરી લીધો છે.
જમ્મુ: જમ્મુ-કાશ્મીરની સરહદો પર અત્યારે કુદરત અને દુશ્મન બંને સામે ભારતીય સેના બાથ ભીડી રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ભારે હિમવર્ષાને કારણે જમ્મુ રિજનના ઊંચા પહાડી રસ્તાઓ કુદરતી રીતે બંધ થઈ જતા હોય છે, જે ઘૂસણખોરી રોકવામાં મદદરૂપ સાબિત થાય છે. જોકે, આ વર્ષે હજુ સુધી ભારે હિમવર્ષા ન થવાને કારણે આ 'નેચરલ લોક' લાગ્યા નથી. જેને પરિણામે ભારતીય સેનાએ પોતાની રણનીતિ બદલવી પડી છે અને હાડ થીજવતી ઠંડીમાં પણ પેટ્રોલિંગ વધારી દેવું પડ્યું છે.
ઘૂસણખોરીના પરંપરાગત રૂટ પર બાજનજર
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બરફ ઓછો હોવાને કારણે આતંકવાદીઓ શિયાળામાં ઓછી વિઝિબિલિટી (દ્રશ્યતા) અને ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ભારતીય સીમામાં પ્રવેશવા પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને ભદ્રવાહ, સિયોજ ધાર, ચિંતા વેલી અને થાનાલ્લાના જંગલો જેવા દુર્ગમ વિસ્તારોમાં સેનાની ડેલ્ટા ફોર્સે ગश्त વધારી દીધી છે. સેનાએ સુનિશ્ચિત કર્યું છે કે બરફ પડે તે પહેલાં આતંકીઓ કોઈ પણ રિમોટ લોકેશન પર પોતાનો અડ્ડો જમાવી ન શકે.
ડિજિટલ સર્વેલન્સ અને હાઈટેક વોરફેર
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ વખતે સેના માત્ર મેન્યુઅલ પેટ્રોલિંગ પર નિર્ભર નથી.
* ડ્રોન અને યુએવી: ગાઢ જંગલો અને ખીણોમાં જ્યાં સૈનિકોનું પહોંચવું મુશ્કેલ છે, ત્યાં ક્વાડકોપ્ટર્સ અને સર્વેલન્સ ડ્રોન દ્વારા ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે.
* નાઈટ વિઝન અને સેન્સર્સ: રાત્રે ઘૂસણખોરી રોકવા માટે અદ્યતન થર્મલ ઈમેજિંગ ડિવાઈસ અને ગ્રાઉન્ડ સેન્સર્સ એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે.
* સ્નો ગિયર: સૈનિકોને માઈનસ તાપમાનમાં ટકી રહેવા માટે સ્પેશિયલ 'સ્નો ગિયર' અને અદ્યતન કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.
ગ્રામ્ય સુરક્ષા અને સ્થાનિક પોલીસ સાથે સંકલન
સેના અધિકારીઓના જણાવ્યા મુજબ, શિયાળાની વ્યૂહરચના માત્ર સરહદ પૂરતી સીમિત નથી. ગ્રામ્ય સ્તરે ઈન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને 'વિલેજ ડિફેન્સ ગ્રુપ્સ' સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. અંતરિયાળ ગામોના લોકો સાથે સેના સતત સંપર્કમાં છે જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલની માહિતી ત્વરિત મળી શકે.
આગામી દિવસોમાં હવામાન બદલાવવાની અને ભારે હિમવર્ષાની શક્યતા છે, પરંતુ ત્યાં સુધી સેનાએ 'ઓપરેશનલ ગેપ' ન રહી જાય તે માટે કમર કસી છે. અગ્રિમ ચોકીઓ પર રાશન અને દારૂગોળાનો પૂરતો સ્ટોક કરી લેવામાં આવ્યો છે જેથી રસ્તાઓ બંધ થવા છતાં જવાનોની સજ્જતામાં કોઈ ઓટ ન આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
