<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વારાણસી 'કોડીન સિરપ' કેસમાં EDનો મેગા સપાટો: ૪૫ ટીમોના દરોડા : માસ્ટરમાઇન્ડ શુભમ જયસ્વાલના પરિસર પર ઘેરાબંધી!

૨૦૦ CRPF જવાનો અને ૩૦૦ અધિકારીઓ સાથે ૬ સ્થળો પર ૮ કલાકની પૂછપરછ : ૬૦ લાખની કફ સિરપ જપ્ત થયા બાદ EDએ PMLA હેઠળ તપાસ આદરી : ૪૦ કંપનીઓ EDના રડારમાં

વારાણસી :  ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર કોડીન મિશ્રિત કફ સિરપના વેપારના રેકેટમાં ઇડીએ ગુ મોટો સપાટો બોલાવ્યો છે. આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા શુભમ જયસ્વાલના ત્રણ ઘરો અને એક દુકાન સહિત અડધો ડઝન સ્થળો પર EDની ૪૫ ટીમોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે ૩૦૦ અધિકારીઓ/કર્મચારીઓ અને ૨૦૦ સીઆરપીએફ જવાનોની સુરક્ષા ટીમો સામેલ હતી. થોડા દિવસો પહેલા જ SIT એ ગંગા કિનારે આવેલા એક વેરહાઉસમાંથી ૬૦ લાખ રૂપિયાની કિંમતની ૩૦,૦૦૦ શીશીઓ કફ સિરપ જપ્ત કર્યા બાદ EDએ મની લોન્ડરિંગના એંગલથી તપાસ શરૂ કરી છે.

શુભમ જયસ્વાલ, જેને ED દ્વારા તેના દસ્તાવેજો સાથે હાજર થવા માટે અઠવાડિયાની નોટિસ આપવામાં આવી હતી, તે હાજર ન થતાં EDએ આ દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ આઠ કલાક સુધી ચાલ્યા હતા, જેમાં શુભમ જયસ્વાલ સાથે સંકળાયેલા દેવેશ જયસ્વાલ સહિત બે ડઝન આરોપીઓની કંપનીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કોડીન કફ સિરપ કેસમાં વારાણસીમાં ૪૦થી વધુ કંપનીઓના નામ FIR માં છે, અને ED એ આમાંથી મોટાભાગની કંપનીઓ પર દરોડા પાડ્યા છે. ED ટીમે શુભમ જયસ્વાલના CA, વિષ્ણુ કુમાર અગ્રવાલની ઓફિસની પણ મુલાકાત લીધી હતી, જેમના વિશે શુભમ જયસ્વાલના પિતાએ SITને જણાવ્યું હતું કે તે સંડોવાયેલા તમામ ખાતાઓ સંભાળે છે.

આ સમગ્ર ગેરકાયદેસર રેકેટની તપાસ માટે યુપી સરકારે IG લો એન્ડ ઓર્ડર એલઆર કુમારના નેતૃત્વમાં ત્રણ સભ્યોની SIT ની રચના કરી છે. SIT એ તાજેતરમાં જ આ સિરપ રેકેટમાં સામેલ ૧૨ કાવતરાખોરોના નામ જાહેર કર્યા હતા, જેમાં ભોલા પ્રસાદ અને શુભમ જયસ્વાલનો પણ સમાવેશ થાય છે. ED ના આ મેગા દરોડા અને ૪૦ થી વધુ કંપનીઓ પરની કાર્યવાહી પછી, આ કેસમાં કાળા નાણાંના સ્ત્રોતો અને ડ્રગ્સ વેચનારા ૧૨ સિન્ડિકેટની પાછળનું સંપૂર્ણ સત્ય બહાર આવે તેવી શક્યતા છે.

 

(10:28 PM IST)