News of Saturday, 13th December 2025
મહિલાએ કરોડપતિ ઉદ્યોગપતિને બરબાદ કર્યો, મોંઘી કાર-દાગીના ખંખેરી લીધા
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર છત્તીસગઢની એક ડીએસપી અને એક કરોડપતિ બિઝનેસમેનની લવસ્ટોરી ખૂબ વાયરલ

રાયપુર તા.૧૩: છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર છત્તીસગઢની એક ડીએસપી અને એક કરોડપતિ બિઝનેસમેનની લવસ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. આ લવ સ્ટોરી સસ્પેન્સ, થ્રિલર અને ફ્રોડથી ભરપૂર છે.
છત્તીસગઢ પોલીસની ડીએસપી કલ્પના વર્મા અને કરોડપતિ વેપારી દીપક ટંડનની લવસ્ટોરી અને લવ ટ્રેપની ચર્ચા થઈ રહી છે. તેઓના ફોટો, વોટ્સએપ ચેટ, વીડિયો અને ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર લીક થઈ રહ્યા છે, જેનાથી સૌનું ધ્યાન આ લવસ્ટોરી તરફ ખેંચાયું છે. સમગ્ર મામલો શું છે, આવો જાણીએ.
છત્તીસગઢના દંતેવાડામાં ફરજ બજાવતી ડીએસપી કલ્પના વર્મા અને સ્થાનિક વેપારી દીપક ટંડન ૨૦૨૧માં એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. ધીમેધીમે તેમનો મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. આ પ્રેમ સંબંધને લઈને દીપક ટંડને કલ્પના વર્માને કથિત રીતે ૨ કરોડ રૂપિયા અને કિમતી સામાન ભેટ સ્વરૂપે આપ્યા હતા.
એક વખત વોટ્સએપ ચેટમાં કલ્પના વર્માએ દીપક ટંડનને કહ્યું હતું કે, ‘‘મને મળવા આવ... તારી પત્નીને છૂટાછેડા આપી દે. આપણે સાથે રહીશું...'' દીપકની પત્ની બરખાને આ પ્રેમ સંબંધની આ ચેટ જોઈ ગઈ હતી. સાથોસાથ તેને પતિએ ડીએસપી સાથે કરેલી મોટી લેવડદેવડ વિશે પણ ખબર પડી ગઈ હતી.
દીપકના લગ્નેત્તર સંબંધને લઈને એક તરફ તેના ઘરમાં ઝઘડા શરૂ થયા હતા. તો બીજી તરફ કલ્પનાએ દીપકથી દૂરી બનાવી લીધી હતી. જેથી વેપારી દીપક ટંડને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. દીપક ટંડને ડીએસપી કલ્પના વર્મા સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી.
આ વોટ્સએપ ચેટે છત્તીસગઢમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. દીપક ટંડનનો આરોપ છે કે, પ્રેમ સંબંધ દરમિયાન ડીએસપીએ તેમની પાસેથી વિવિધ બહાના બનાવી મોટી માત્રામાં પૈસા અને મોંઘી ગિફટ લીધી હતી.
દીપક ટંડનના જણાવ્યાનુસાર, કલ્પના વર્માએ મારી પાસેથી હપ્તે હપ્તે ૨ કરોડ રૂપિયા લીધા છે. મેં તેને ડાઇમંડ રિગ, સોનાની ચેન અને એક મોંઘી ગાડી પણ આપી છે. ડીએસપીએ મારી પાસેથી એક હોટલની રજિસ્ટ્રી પણ તેના ભાઈના નામે કરાવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના ખમરડીહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા વેપારી દીપક ટંડનને પોલીસ સમક્ષ વોટ્સએપ ચેટના કેટલાય સ્ક્રીનશોટ અને આર્થિક લેવડદેવડના પુરાવા રજૂ કર્યા છે. પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નથી. જ્યારે ડીએસપી કલ્પના વર્માએ વેપારી દીપક ટંડનના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને બદનામ કરવાનું કાવતરૂં ગણાવ્યું છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
