<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

મહેસાણાના પરિવારને લીંબિયામાં બનાવ્‍યા બંધક

દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્‍યા હતા, ૧ કરોડની ખંડણી માંગી : એજન્‍ટોએ છેતરીને લીબિયા મોકલી દીધાઃ જ્‍યાં તેમને બંધક બનાવીને તેમની મુક્‍તિ માટે તોતીંગ ખંડણીની માંગ કરવામાં આવી

મહેસાણા તા.૧૩: બાદલપુરા ગામના દંપતી અને તેમની ૩ વર્ષની બાળકી લીબિયામાં બંદી બનાવવામાં આવી છે. આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્‍યો હતો, પરંતુ એજન્‍ટોએ છેતરપિડી કરીને તેમને લીબિયા મોકલી દીધા. લીબિયામાં આ પરિવારને એકાંતમાં બંદી બનાવી ધમકી આપવામાં આવી રહી છે કે તેઓને જાનથી મારી નાખવામાં આવશે.

અપહરણકર્તાઓ દ્વારા ૫૪૦૦૦ ડોલર અને દુબઈના એજન્‍ટોએ એક કરોડની તોતિગ ખંડણી માંગી છે. ભોગ બનનાર કિસ્‍મતસિંહ ચાવડા, પત્‍ની હીનાબેન અને પુત્રી દેવાંશીબા આ પરિસ્‍થિતિમાં ફસાઈ ગયા છે. પરિજનો દ્વારા મહેસાણા કલેક્‍ટર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મુસીબતમાં ફસાયેલા કિસ્‍મતસિહ ચાવડાના પરિજને આ અંગે મહેસાણા કલેક્‍ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ગુજરાત સરકાર અને કેન્‍દ્ર સરકાર પાસે તાત્‍કાલિક મદદની માંગ કરી છે. પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે.

(10:01 AM IST)