<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

પ્રજા ટ્રમ્‍પના કામથી નારાજ : અપ્રુવલ રેટિંગ ૩૧% પર પહોંચી ગયું

AP-NORCના લેટેસ્‍ટ પોલમાં ટ્રમ્‍પનું અપ્રુવલ રેટિંગ ઓલટાઈમ લો લેવલ પર પહોંચી ગયું, ઈકોનોમી સૌથી મહત્‍વનો મુદ્દો

વોશીંગ્‍ટન તા.૧૩: ઈમિગ્રેશન અને ઈકોનોમી આ બંને મુદ્દાએ ટ્રમ્‍પને બીજીવાર પ્રેસિડેન્‍ટ બનાવવામાં મોટો ભાગ ભજવ્‍યો હતો પરંતુ હવે આ જ બાબતો તેમના ગળામાં ફસાયેલા હાડકાં સમાન બની રહી છે. ટ્રમ્‍પ ઈકોનોમી અને ઈમિગ્રેશનને જે રીતે હેન્‍ડલ કરી રહ્યા છે તેના કારણે માર્ચ ૨૦૨૫થી તેમનું અપ્રુવલ રેટિગ સતત ઘટી રહ્યું છે અને AP-NORCના લેટેસ્‍ટ પોલમાં તે અત્‍યારસુધીના સૌથી નીચલા સ્‍તરે પહોંચી ગયું છે.

૨૦૨૬ના અંતમાં થનારી મધ્‍યસત્ર ચૂંટણી નજીક આવી રહી છે અને ટ્રમ્‍પે પેન્‍સિલવેનિયામાં તાજેતરમાં જ એક રેલી સંબોધીને તેનો પ્રચાર પણ આડકતરી રીતે શરૂ કરી દીધો છે ત્‍યારે હવે તેમનું અપ્રુવલ રેટિગ ૩૧ ટકાના ઓલટાઈમ લો લેવલ પર પહોંચી ગયું છે તેવું અસોસિએટેડ પરેસ અને ફબ્‍ય્‍ઘ્‍ સેન્‍ટર ફોર પબ્‍લિક અફેર્સ રિસર્ચના પોલમાં જણાવાયું છે.

માર્ચમાં ટ્રમ્‍પનું ઈકોનોમીની બાબતે જે ૪૦ ટકા અપ્રુવલ રેટિગ હતું તેના કરતા લેટેસ્‍ટ રેટિગમાં ખાસ્‍સો મોટો ઘટાડો નોંધાયો છે. ઈકોનોમીની સાથે ટ્રમ્‍પ જે રીતે ફેડરલ ગવર્મેન્‍ટનું મેનેજમેન્‍ટ કરી રહ્યા છે તેનાથી પણ ઘણાં અમેરિકન્‍સ ખુશ નથી, ખાસ તો અત્‍યારસુધીના સૌથી લાંબા શટડાઉનને કારણે ટ્રમ્‍પની ઈમેજ ખરાબ થઈ છે.

ટ્રમ્‍પે પ્રેસિડેન્‍ટ બનતા પહેલા અમેરિકામાંથી ક્રાઈમનો સફાયો કરી દેવાની વાત પણ કરી હતી, થોડા મહિના પહેલા આ મામલે ૫૩ ટકા અમેરિકન્‍સ તેમની કામગીરીથી ખુશ હતા પરંતુ ડિસેમ્‍બરના પોલમાં આ પ્રમાણ ઘટીને ૪૩ ટકા પર આવી ગયું છે. તેવી જ રીતે ઈમિગ્રેશનના મુદ્દાને ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશન દ્વારા જે રીતે હેન્‍ડલ કરાઈ રહ્યો છે તેને માત્ર ૩૮ ટકા અમેરિકન્‍સ યોગ્‍ય માની રહ્યા છે જ્‍યારે માર્ચમાં આ બાબતે તેમનું અપ્રુવલ રેટિગ ૪૯ ટકા હતું.

 

જોકે, ટ્રમ્‍પ માટે રાહતના સમાચાર એ છે કે તેમના ઓવરઓલ અપ્રુવલ રેટિગમાં કોઈ મોટો ઘટાડો નથી થયો. ડિસેમ્‍બરના પોલમાં ૩૬ ટકા અમેરિકન્‍સે તેમના કામથી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો જ્‍યારે માર્ચમાં તેમના કામથી ખુશ હોય તેવા લોકોનું પ્રમાણ ૪૨ ટકા થતું હતું. તેનો અર્થ એવો પણ થાય છે કે જે અમેરિકન્‍સ ટ્રમ્‍પના કામથી ખુશ નથી તે પણ એવું કહેવા તૈયાર નથી કે ટ્રમ્‍પ પોતાનું કામ યોગ્‍ય રીતે નથી કરી રહ્યા.

આમ તો ટ્રમ્‍પ સામે રિપબ્‍લિકન વોટર્સ પણ અસંતોષ વધી રહ્યો છે પરંતુ તેમ છતાંય ટ્રમ્‍પનો પ્રભાવ હજુય અકબંધ છે તેવું આ પોલ જણાવી રહ્યો છે. જોકે, ઈકોનોમીને ટ્રમ્‍પ જે રીતે મેનેજ કરી રહ્યા છે તેનાથી રિપબ્‍લિકન વોટર્સ વધારે નાખુશ જણાઈ રહ્યા છે. માર્ચમાં ૭૮ ટકા રિપબ્‍લિકન વોટર્સ ટ્રમ્‍પે આર્થિક મોરચે કરેલા પ્રદર્શનથી ખુશ હતા પરંતુ ડિસેમ્‍બરના પોલમાં આ પ્રમાણ ૬૯ ટકા થઈ ગયું છે.

ટ્રમ્‍પના સમર્થકો હજુય તેમની પડખે અડીખમ ઉભા છે, જ્‍યારે તેમના પુરોગામી જો બાઈડનના કેસમાં એવું નહોતું. બાઈડને જાન્‍યુઆરી ૨૦૨૧માં સત્તા સંભાળી હતી અને ૨૦૨૨ના મધ્‍યમાં તો માંડ ૫૦ ટકા ડેમોક્રેટિક વોટર્સ જ તેમના કામથી ખુશ હતા અને ૨૦૨૪માં બાઈડને ઈલેક્‍શન લડવાનું પડતું મૂક્‍યું તે વખતે તેમના પ્રદર્શનને નબળું ગણતા હોય તેવા ડેમોક્રેટ્‍સનું પ્રમાણ વધીને ૬૬ ટકા જેટલું થઈ ગયું હતું. જોકે, ટ્રમ્‍પે જાન્‍યુઆરી ૨૦૨૫માં સત્તા સંભાળી ત્‍યારથી દેશની ઈકોનોમીમાં કોઈ ખાસ ફરક નથી પડ્‍યો તેવું આ પોલમાં ભાગ લેનારા ૬૮ ટકા અમેરિકન્‍સનું માનવું છે અને તેઓ એવું પણ કહી રહ્યા છે કે ઈકોનોમીની હાલત કથળી છે.

જોકે, માસ ડિપોર્ટેશનને સપોર્ટ કરનારા અમેરિકન્‍સનું પ્રમાણ માત્ર ૩૦ ટકા જેટલું જ થાય છે. તેવી જ રીતે હેલ્‍થ કેરના મામલે પણ માત્ર ૩૦ ટકા અમેરિકન્‍સ ટ્રમ્‍પની કામગીરીને સપોર્ટ કરી રહ્યા છે, આ જ કારણે શટડાઉનની સ્‍થિતિ સર્જાઈ હતી અને ટ્રમ્‍પે છેક સુધી પોતાની જીદ પર અડેલા રહી અફોર્ડેબલ કેર એક્‍ટની સબસિડીને એક્‍સટેન્‍ડ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

(10:01 AM IST)