<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

કેરળના રાજકારણમાં નવો અધ્યાય: તિરુવનંતપુરમમાં એનડીએની ઐતિહાસિક જીતને વડાપ્રધાને ગણાવી અભૂતપૂર્વ ક્ષણ

૧૦૧ વોર્ડ ધરાવતી તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનડીએએ ૫૦ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે ડાબેરી મોરચા (એલડીએફ)ને ૨૯ બેઠકો અને કોંગ્રેસ નેતૃત્વવાળા યુડીએફને માત્ર ૧૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે

કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને શાનદાર પ્રદર્શન કરીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે.

 

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનડીએની આ પ્રચંડ જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતા તેને કેરળના રાજકારણ માટે એક 'ઐતિહાસિક ક્ષણ' ગણાવી છે.

વડાપ્રધાને સોશિયલ મીડિયાના માધ્યમથી કેરળ અને ખાસ કરીને તિરુવનંતપુરમની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ-એનડીએને મળેલો જનાદેશ ખરેખર અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તે સાબિત કરે છે કે માત્ર અમારો પક્ષ જ રાજ્યના વિકાસની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. અમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ રહેશે.

 

ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, ૧૦૧ વોર્ડ ધરાવતી તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનડીએએ ૫૦ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે ડાબેરી મોરચા (એલડીએફ)ને ૨૯ બેઠકો અને કોંગ્રેસ નેતૃત્વવાળા યુડીએફને માત્ર ૧૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. અન્યના ફાળે ૨ બેઠકો ગઈ છે. આ પરિણામો એટલા માટે મહત્વના છે કારણ કે કેરળના રાજકારણમાં દાયકાઓથી એલડીએફ અને યુડીએફનું વર્ચસ્વ રહ્યું છે, જેને તોડવામાં ભાજપે મોટી સફળતા મેળવી છે.

 

વડાપ્રધાને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કેરળના લોકો હવે યુડીએફ અને એલડીએફના શાસનથી કંટાળી ગયા છે. મતદારો એનડીએને સુશાસન પૂરું પાડવા અને 'વિકસિત કેરળ'ના નિર્માણ માટેના એકમાત્ર વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

 

આ જીતનો શ્રેય પક્ષના પાયાના કાર્યકરોને આપતા વડાપ્રધાને ભાવુક થઈને કહ્યું હતું કે, આજનો દિવસ કેરળના કાર્યકરોની પેઢીઓની મહેનત અને સંઘર્ષને યાદ કરવાનો છે. જેમણે વિપરીત સંજોગોમાં પણ પક્ષનો ધ્વજ ઉંચો રાખ્યો અને આજના પરિણામને શક્ય બનાવ્યું. તેમણે કાર્યકરોને પક્ષની ખરી શક્તિ ગણાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

(5:43 PM IST)