News of Saturday, 13th December 2025
'ભાજપમાં દિલ્હીથી થાય છે નિર્ણયો, મારી સલાહ લેવાતી નથી': કેપ્ટન અમરિંદર સિંહનો પાર્ટીની કાર્યશૈલી પર ખુલ્લો બળાપો
૬૦ વર્ષનો રાજકીય અનુભવ હોવા છતાં હાંસિયામાં ધકેલાયાની લાગણી: પંજાબમાં સ્થિરતા માટે અકાલી-ભાજપ ગઠબંધન અનિવાર્ય હોવાનું નિવેદન

મોહાલી: પંજાબના રાજકારણમાં એકવાર ફરી પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહના નિવેદનોએ ભારે હલચલ મચાવી છે. મોહાલીમાં એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કેપ્ટને પોતાની જ પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, "ભાજપમાં બધા નિર્ણયો દિલ્હીમાં લેવાય છે, અને મારી પાસે ૬૦ વર્ષનો રાજકીય અનુભવ હોવા છતાં, મને કોઈ પણ નિર્ણયમાં સામેલ કરવામાં આવતો નથી."
કેપ્ટને સ્પષ્ટ કર્યું કે, તે પોતાનો અનુભવ પાર્ટી પર 'થોપી' શકે નહીં, પરંતુ તેમને સલાહ ન પૂછવામાં આવતી હોવાનો રંજ છે. જોકે, તેમણે કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતાઓને સદંતર નકારી કાઢી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં પાછા જવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
કોંગ્રેસમાં પાછા ફરવાનો સવાલ નથી, પણ સોનિયાને મદદ જરૂર કરીશ
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ છોડવાના પોતાના દર્દને વ્યક્ત કરતાં કહ્યું કે તેમને જે રીતે પદ પરથી હટાવવામાં આવ્યા, તેની પીડા આજે પણ તેમને છે. તેમ છતાં, તેમણે લાગણી દર્શાવી કે જો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ક્યારેય તેમની મદદ માગશે તો તેઓ ચોક્કસ મદદ કરશે, પરંતુ તે મદદ રાજકીય રીતે નહીં હોય.
કેપ્ટને કોંગ્રેસ અને ભાજપની કાર્યપ્રણાલીની તુલના કરી હતી. તેમણે કહ્યું કે, "કોંગ્રેસનો સિસ્ટમ વધુ લોકતાંત્રિક હતો, જ્યાં નેતાઓ સાથે સલાહ લેવાતી હતી અને હાઈકમાન્ડ સુધી પહોંચવું સરળ હતું." તેમના મતે, ભાજપના શીર્ષ નેતૃત્વને મળવું કોંગ્રેસના હાઈકમાન્ડને મળવા કરતાં વધુ મુશ્કેલ છે, અને ભાજપ નિર્ણયો જાહેર કર્યા વિના અથવા પાયાના નેતાઓ સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લે છે.
પંજાબની સ્થિરતા માટે અકાલી દળ સાથે ગઠબંધન જરૂરી
કેપ્ટને ભારપૂર્વક જણાવ્યું હતું કે પંજાબમાં કોઈપણ સરકાર ગઠબંધન વિના બની શકે તેમ નથી. તેમણે પોતાના ૬૦ વર્ષના રાજકીય અનુભવના આધારે ભવિષ્યવાણી કરી કે, પંજાબમાં આગળ વધવા માટે ભાજપે શિરોમણી અકાલી દળ (SAD) સાથે ફરીથી ગઠબંધન કરવું પડશે અને અંતે આ બંને પક્ષો એકસાથે આવશે. તેમણે પંજાબના લોકોને સ્થિરતા માટે ભાજપ પર વિચાર કરવા વિનંતી કરી હતી.
સિદ્ધુ દંપતી પર આકરા પ્રહાર અને 'આપ'ના ભવિષ્ય પર ટિપ્પણી
અમરિંદર સિંહે નવજોત કૌર સિદ્ધુના નિવેદન પર તીખો હુમલો કર્યો, જેમાં તેમણે '૫૦૦ કરોડ રૂપિયાનો સૂટકેસ' આપનાર મુખ્યમંત્રી બને છે તેવો આરોપ લગાવ્યો હતો. કેપ્ટને સિદ્ધુ દંપતીને 'અસ્થિર' ગણાવ્યા અને કહ્યું કે નવજોત કૌર સિદ્ધુ જૂઠું બોલી રહ્યાં છે, અને કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ. તેમણે નવજોત સિંહ સિદ્ધુને રાજકારણ છોડીને ક્રિકેટ કોમેન્ટરી પર ધ્યાન આપવાની સલાહ આપી, કારણ કે રાજકારણ તેમના સ્વભાવમાં નથી.
આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કરતાં કેપ્ટને દાવો કર્યો કે પંજાબમાં આગામી ચૂંટણી પહેલા જ આ પાર્ટી તૂટી જશે અને તે આગામી વિધાનસભા ચૂંટણીમાં બે આંકડા સુધી પણ પહોંચી શકશે નહીં.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
