<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જ લડાશે: સંઘનો ભાજપના રાષ્ટ્રીય અને રાજ્ય નેતૃત્વને સ્પષ્ટ સંદેશ, 'યોગીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવો એ બળવો ગણાશે'

ઉત્તર પ્રદેશની ચૂંટણીનું નિયંત્રણ હવે સંપૂર્ણપણે પક્ષના હાથમાં રહેશે નહીં: આરએસએસ પોતે આ ચૂંટણી કમાન સંભાળશે: ચૂંટણીની રણનીતિ ઘડવાથી લઈને ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વહેંચણી જેવા મહત્વના નિર્ણયોમાં સંઘની ભૂમિકા નિર્ણાયક રહેશે

લખનઉ:  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે અહીં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમન્વય બેઠકમાં ઉત્તર પ્રદેશના ભવિષ્યને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જ લડવામાં આવશે તેવો સ્પષ્ટ સંકેત સંઘ દ્વારા આપી દેવામાં આવ્યો છે. સંઘે ભાજપના નેતૃત્વને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે કે યોગી આદિત્યનાથના નેતૃત્વ પર પ્રશ્ન ઉઠાવનાર કોઈપણ નેતાને 'બળવાખોર' ગણવામાં આવશે. આ સંદેશ માત્ર રાજ્યના નેતાઓ માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ માટે પણ છે.

 

હિન્દુઓમાં એકતા, વિવાદો પર પૂર્ણવિરામ: આરએસએસના સૂત્રોના જણાવ્યા અનુસાર, લખનઉમાં ૨ ડિસેમ્બરે યોજાયેલી આ બેઠકનો મુખ્ય એજન્ડા પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદોને દૂર કરવાનો હતો. સંઘે સ્પષ્ટ કર્યું છે કે હિન્દુઓમાં એકતા જાળવી રાખવી અને પક્ષની અંદરના મતભેદોના સમાચારો પર નિયંત્રણ લાવવું અનિવાર્ય છે. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને સંઘ વચ્ચે જે કથિત મતભેદો જોવા મળ્યા હતા, તે હવે ભૂતકાળ બની ગયા છે અને બંને સંગઠનો સંપૂર્ણ તાાલમેલ સાથે આગળ વધશે.

 

ટિકિટ વહેંચણીથી લઈને રણનીતિ સુધી સંઘની સક્રિય ભૂમિકા: બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનું નિયંત્રણ હવે સંપૂર્ણપણે પક્ષના હાથમાં રહેશે નહીં. આરએસએસ પોતે આ ચૂંટણી કમાન સંભાળશે. ચૂંટણીની રણનીતિ ઘડવાથી લઈને ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વહેંચણી જેવા મહત્વના નિર્ણયોમાં સંઘની ભૂમિકા નિર્ણાયક રહેશે. 

 

સંઘના પદાધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષમાં આંતરિક ખેંચતાણને કારણે ભાજપની બેઠકોમાં ઘટાડો થયો હતો. ૨૦૧૭માં ભાજપે ૩૧૨ બેઠકો જીતી હતી, જે ૨૦૨૨માં ઘટીને ૨૫૫ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં પણ આંતરિક તણાવને કારણે નુકસાન વેઠવું પડ્યું હતું, જેનું પુનરાવર્તન ૨૦૨૭માં ન થાય તે માટે સંઘે અત્યારથી જ મોરચો સંભાળી લીધો છે.

 

લખનઉમાં મેરેથોન બેઠકોનો દોર: અંગ્રેજી ભાસ્કરના અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે તે મુજબ આ મહત્વપૂર્ણ નિર્ણયો પહેલા લખનઉમાં બે તબક્કામાં બેઠકો યોજાઈ હતી. પ્રથમ બેઠક આરએસએસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જે લગભગ ૩ કલાક સુધી ચાલી હતી. જેમાં સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, સહ-મહામંત્રી અરુણ કુમાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ ચૌધરી હાજર રહ્યા હતા. ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બીજી બેઠક સવા કલાક સુધી ચાલી હતી, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યમંત્રીઓ - કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીઓની હાજરી અને સંઘનો કડક સંદેશ સૂચવે છે કે પક્ષમાં હવે જૂથબંધી ચલાવી લેવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પહેલા ૨૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અયોધ્યામાં સરસંઘચાલક મોહન ભાગવત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે મુલાકાત થઈ હતી, જેણે આ નવી રણનીતિનો પાયો નાખ્યો હતો. 

રાજકીય વિશ્લેષકોના મતે સંઘનું આ 'મિશન યુપી' યોગી આદિત્યનાથને નિર્વિવાદ નેતા તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું છે.

(7:38 PM IST)