<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

'પવન સિંહને કોઈ ધમકી નથી આપી, જે કરીએ છીએ ખુલ્લેઆમ કરીએ છીએ': લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓડિયોએ ભોજપુરી સુપરસ્ટારના 'ધમકી' કેસમાં લાવ્યો મોટો વળાંક

ગેંગસ્ટર હરિ બોક્સરે ઓડિયો મેસેજમાં કર્યો ખુલાસો: પવન સિંહ કદાચ સુરક્ષા મેળવવા માટે દાવો કરી રહ્યા છે; સલમાન ખાન સાથે કામ કરનારાઓને AK-47 થી મારવાની ધમકી

નવી દિલ્હી : ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ધમકી આપવાના મામલે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ પ્રકરણમાં હવે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર હરિ બોક્સરનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગેંગ તરફથી પવન સિંહને કોઈ ધમકી આપવામાં આવી નથી.
ઓડિયો મેસેજમાં હરિ બોક્સરે દાવો કર્યો છે કે, પવન સિંહને ગેંગ તરફથી કોઈ કોલ કે ધમકી મળી નથી. તેમણે એમ પણ કહ્યું કે પવન સિંહ કદાચ સુરક્ષા મેળવવાના હેતુથી આવો દાવો કરી રહ્યા હશે. ગેંગસ્ટરના મતે, આ સમગ્ર મામલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'બિનજરૂરી રીતે' ઘસડવામાં આવી રહી છે.
હરિ બોક્સરે ઓડિયોમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે પવન સિંહ તેમના વિરુદ્ધ ખોટા નિવેદનો આપી રહ્યા છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મામલે ગેંગનો કોઈ લેવા-દેવા નથી.
પોતાના નિવેદનને વધુ ગંભીર બનાવતા, હરિ બોક્સરે એવું પણ કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ જે પણ કરે છે, ખુલ્લેઆમ કરે છે. તેણે ધમકી આપતા કહ્યું કે, "જે સલમાન ખાનની સાથે કામ કરશે, તેને અમે ધમકી નહીં આપીએ, પરંતુ AK-૪૭ની ગોળીઓથી ભુંજી નાખીશું."
ઉલ્લેખનીય છે કે, ૬ ડિસેમ્બરના રોજ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામ પર ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. જેમાં તેમને સલમાન ખાન સાથે કામ કરવાનું બંધ કરવા માટે સીધું કહેવામાં આવ્યું હતું. આ ધમકીના સમયે પવન સિંહ મુંબઈમાં બિગ બોસના ફાઇનલમાં ગેસ્ટ તરીકે સામેલ થવાના હતા.
ધમકી મળ્યા બાદ પવન સિંહ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી નથી, પરંતુ પોલીસને ફક્ત મૌખિક માહિતી આપવામાં આવી છે. આ પછી પવન સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી હતી

(11:37 PM IST)