<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં લોહિયાળ રવિવાર: પરીક્ષા ખંડમાં ઘૂસીને બ્લેક ડ્રેસવાળા શખ્સનું અંધાધૂંધ ફાયરિંગ: ૨ ના મોત: ૮ ગંભીર

ફાઈનલ એક્ઝામ ચાલી રહી હતી ત્યારે જ હુમલાખોરે મોતનું તાંડવ ખેલ્યું: હુમલાખોર હજુ ફરાર: સર્ચ ઓપરેશન ચાલુ: ટ્રમ્પે એફબીઆઈ ને તપાસમાં જોતર્યું

વોશિંગ્ટન/પ્રોવિડન્સ: અમેરિકાના રોડ આઇલેન્ડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે સાંજે (ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે) લોહિયાળ ઘટના બની હતી. યુનિવર્સિટીના બારસ અને હોલી બિલ્ડીંગમાં જ્યારે વિદ્યાર્થીઓ સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે કાળા કપડામાં આવેલા એક અજાણ્યા શખ્સે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

 

સ્થાનિક મીડિયા અને પોલીસના જણાવ્યા અનુસાર, એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગની બિલ્ડીંગમાં ફાયરિંગ શરૂ થયું હતું. તે સમયે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ડિઝાઇનની પરીક્ષા આપી રહ્યા હતા. અચાનક ગોળીબારનો અવાજ આવતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ડેસ્ક નીચે અને ક્લાસરૂમમાં છુપાઈ ગયા હતા.

 

પ્રોવિડન્સ પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોર એક પુરુષ હતો અને તેણે કાળા રંગના કપડાં પહેર્યા હતા. ફાયરિંગ કર્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ અને સ્વાત ટીમે તાત્કાલિક કેમ્પસને કોર્ડન કરી લીધું હતું અને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

 

આ ઘટનામાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા ૮ લોકોને તાત્કાલિક રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, ઘાયલોમાં ૬ લોકોની હાલત અત્યંત ગંભીર પરંતુ સ્થિર છે, જ્યારે અન્ય ૨ લોકો ખતરાની બહાર છે. મૃતકો વિદ્યાર્થીઓ છે કે સ્ટાફ મેમ્બર તે અંગે યુનિવર્સિટીએ હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.

 

ઘટનાના કલાકો બાદ પણ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે. પોલીસે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. શરૂઆતમાં એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારની ઘટના અત્યંત દુઃખદ છે. એફબીઆઈ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસમાં જોડાઈ ગઈ છે. પીડિતો અને તેમના પરિવારો માટે અમે પ્રાર્થના કરીએ છીએ." ટ્રમ્પે તપાસ એજન્સીઓને આરોપીને તાત્કાલિક ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.

 

આ ઘટનાને પગલે સમગ્ર અમેરિકામાં ફરી એકવાર ગન કલ્ચર અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. યુનિવર્સિટીએ આગામી તમામ પરીક્ષાઓ રદ કરી છે અને કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે.

(10:29 AM IST)