<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

થેન્ક યુ, સીના! WWEના સુપરસ્ટાર જોન સીનાએ આંસુ સાથે રિંગમાંથી લીધી અંતિમ વિદાય, 17 વખતના ચેમ્પિયનની ભાવુક ક્ષણ

2002માં ડેબ્યૂ કરનાર WWEના આઇકન જોન સીનાએ કરિયરની અંતિમ મેચ ગનથર સામે હાર્યા બાદ રિંગમાં ટી-શર્ટ અને રિસ્ટ બેન્ડ મૂક્યા; ટ્રિપલ એચ, અંડરટેકર સહિત દિગ્ગજ રેસલર્સે આપી વિદાય, 23 વર્ષની કારકિર્દીનો ભાવુક અંત.

ઓર્લાન્ડો / મુંબઈ:  વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) ના ઇતિહાસમાં સૌથી સફળ અને લોકપ્રિય સુપરસ્ટાર્સમાંના એક એવા જૉન સીનાએ આખરે રિંગમાંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. રેસલિંગના ચાહકો માટે આ એક ભાવુક અને યુગના અંત સમાન ક્ષણ છે. પોતાની આગવી અદામાં હંમેશા ઉત્સાહ અને જુસ્સો દર્શાવનાર સીનાએ તેની અંતિમ મેચ ગુમાવ્યા બાદ, પોતાની ટી-શર્ટ અને રિસ્ટ બેન્ડ રિંગમાં મૂકીને દર્શકોને આંખોમાં આંસુ સાથે સેલ્યૂટ કર્યું હતું અને WWEની દુનિયામાંથી વિદાય લીધી હતી.

જૉન સીનાની કારકિર્દીની અંતિમ મેચમાં તેને 'ધ રીંગ જનરલ' ગનથરએ હરાવ્યો હતો. આ હાર પછી, WWEના અનેક મહાન રેસલર્સ અને દિગ્ગજો તેને વિદાય આપવા માટે લૉકર રૂમમાંથી બહાર આવ્યા હતા. તેમાં ટ્રિપલ એચ, સ્ટેફની મેક્મોહન, સીએમ પંક, કોડી રોડ્સ અને 'ધી અંડરટેકર' જેવા મહાનુભાવોનો સમાવેશ થતો હતો. તમામ દિગ્ગજોએ સીનાને તેની શાનદાર અને પ્રભાવશાળી કારકિર્દી બદલ શુભેચ્છા પાઠવી હતી. સીનાએ 'મની ઈન ધી બેંક 2024'માં પોતાના સંન્યાસનું એલાન કર્યું હતું, ત્યારબાદ તેની 'ફેરવેલ ટૂર' રોયલ રમ્બલ 2025થી શરૂ થઈ હતી, જ્યાં તેણે મેચમાં છેલ્લે બહાર નીકળનાર સુપરસ્ટાર બનીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વર્ષ 2002માં 'સ્મેકડાઉન'ના એક એપિસોડમાં કર્ટ એન્ગલ વિરુદ્ધ ડેબ્યૂ કરનાર જૉન સીનાએ તેની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો અને એક તબક્કે તેને રિલીઝ પણ કરી દેવામાં આવનાર હતો. જોકે, 2005માં તે WWEનો ચહેરો બન્યો અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. રેસલમેનિયા 21માં JBLને હરાવીને તેણે પ્રથમવાર વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. તેની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેણે એલિમિનેશન ચેમ્બર મેચ જીતીને રેસલમેનિયા 41માં કોડી રૉડ્સને હરાવ્યો અને 17મી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સીનાની આ સિદ્ધિ WWEના ઇતિહાસમાં સર્વોચ્ચ છે.

જૉન સીનાએ 2015 પછી ધીમે ધીમે ફિલ્મોમાં અભિનેતા તરીકે પોતાની ઇનિંગ્સ શરૂ કરી હતી અને હવે તે હોલીવુડનો એક જાણીતો ચહેરો બની ચૂક્યો છે. રિંગમાંથી વિદાય લીધા બાદ, તે હવે સંપૂર્ણપણે અભિનય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જૉન સીનાની કારકિર્દી માત્ર ચેમ્પિયનશિપ પૂરતી સીમિત નહોતી, પરંતુ તેણે લાખો ચાહકોને 'Never Give Up' (ક્યારેય હાર ન માનવી) નો મંત્ર આપ્યો હતો. WWEના ઈતિહાસના સૌથી લોકપ્રિય અને સન્માનિત રેસલર તરીકે તેની વિદાય હંમેશા યાદગાર રહેશે.

 

(4:34 PM IST)