<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ઈમિગ્રેશનને લઈને અમેરિકાનું નવું ફરમાન : હવે અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે

ટ્રમ્પ તંત્રએ દેશની સુરક્ષાનો હવાલો આપીને નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો : ઈમિગ્રેશન ફોર્મમાં ઉપયોગ થતી તસવીરો મામલે કડક નિયમો જાહેર

અમેરિકામાં અવાર-નવા ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર થતા રહે છે, ત્યારે ટ્રમ્પ તંત્રએ દેશની સુરક્ષાનો હવાલો આપીને નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ ઈમિગ્રેશન ફોર્મમાં ઉપયોગ થતી તસવીરો મામલે કડક નિયમો જાહેર કર્યા છે. નવા આદેશ મુજબ, હવે અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે.

 

USCISના જણાવ્યા મુજબ, જો કોઈ અરજદાર અરજી પર ત્રણ વર્ષથી વધુ જૂની તસવીર લગાવશે, તો તેની અરજી રદ કરવામાં આવશે. જો અરજદાર પોતાની જાતે જ ફોટો પાડીને જમા કરાવશે તો તેનો પણ અસ્વિકાર કરવામાં આવશે. માત્ર USCIS અથવા તેના સેવા કેન્દ્રો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો જ માન્ય ગણાશે.

ભૂતકાળમાં કેટલાક કેસોમાં 10 વર્ષ સુધીના જૂના ફોટોગ્રાફ્સનો ફરીથી ઉપયોગ કરવાની પરવાનગી હતી, ખાસ કરીને એવી અરજીઓમાં કે જેમાં નવા બાયોમેટ્રિક્સની જરૂર ન હોય. આ છૂટછાટ કોરોના મહામારી દરમિયાન આપવામાં આવી હતી, જ્યારે સામ-સામેની પ્રક્રિયાઓ મર્યાદિત હતી. USCIS કહ્યું કે, અમારી પાસે 20 વર્ષ જૂના ફોટા લગાવેલી કેટલીક અરજીઓ આવી હતી. કોરોના મહામારી બાદ તસવીરની માન્યતા 10 વર્ષ સુધીની હતી, જોકે હવે એજન્સીને આ સમયગાળો ઘણો લાંબો લાગી રહ્યો છે.

 

નવા નિયમો મુજબ, જો તસવીર 36 મહિના પહેલા બાયોમેટ્રિક સર્વિસ એપોઈન્ટમેન્ટમાં લેવામાં આવી હશે, તો જ તેવી જૂની તસવીરો માન્ય ગણાશે. આ નિયમ ઈમિગ્રેશન સંબંધી તમામ અરજી પર લાગુ પડશે. બીજીતરફ કેટલાક ફોર્મ એવા છે, જેમાં દર વર્ષે નવા બાયોમેટ્રિક્સ અને નવી તસવીરની જરૂર પડશે. તેમાં નાગરિકતા અરજી, સિટીઝનશિપ સર્ટિફિકેટ, ગ્રીન કાર્ડ બદલવાની અરજી અને સ્ટેટસ એડજસ્ટમેન્ટ અરજી સામેલ છે.

(9:10 PM IST)