<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

સિડનીમાં બોન્ડી બીચ પર એક રેસ્ટોરન્ટમાં ફસાયો હતો ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટર માઈકલ વોન : હવે સુરક્ષિત ઘરે પહોંચી ગયો

વોને એક્સ પર લખ્યું- બોન્ડીમાં એક રેસ્ટોરન્ટમાં ફસાયો તે ખૂબ જ ડરામણું હતું. હું હવે સુરક્ષિત રીતે ઘરે છું. પરંતુ ઇમરજન્સી સેવાઓ અને આતંકવાદીનો સામનો કરનાર માણસનો ખૂબ ખૂબ આભાર. અસરગ્રસ્ત બધા લોકો પ્રત્યે મારી સંવેદના.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર એક રેસ્ટોરન્ટમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોન ફસાઈ ગયો હતો. બોન્ડી બીચ પર બે સશસ્ત્ર માણસોએ સામૂહિક ગોળીબાર કર્યો હતો. અનેક રાઉન્ડ ગોળીબાર કર્યા બાદ બીચ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સિડની મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ગોળીબારમાં ગોળીબાર કરનાર સહિત 12 લોકો માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ બોન્ડી બીચ પર સેંકડો લોકો યહૂદી તહેવાર હનુક્કાહની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ભૂતપૂર્વ ક્રિકેટર વોને શેર કર્યું કે તે પણ બોન્ડી બીચ પર એક રેસ્ટોરન્ટમાં ફસાયો હતો પરંતુ હવે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયો છે. વોને એક્સ પર લખ્યું- બોન્ડીમાં એક રેસ્ટોરન્ટમાં ફસાયો તે ખૂબ જ ડરામણું હતું. હું હવે સુરક્ષિત રીતે ઘરે છું. પરંતુ ઇમરજન્સી સેવાઓ અને આતંકવાદીનો સામનો કરનાર માણસનો ખૂબ ખૂબ આભાર. અસરગ્રસ્ત બધા લોકો પ્રત્યે મારી સંવેદના.

ન્યુ સાઉથ વેલ્સ પોલીસના એક નિવેદનમાં રવિવારે કહેવામાં આવ્યું છે કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન આ ગોળીબારનો એક વિડિયો પણ સામે આવ્યો છે. વાયરલ વિડિયોમાં એક સ્થાનિક વ્યક્તિએ ગોળીબાર કરનારાઓમાંથી એકને પકડી લીધો હતો. વિડિયોમાં ગોળીબાર દરમિયાન એક વ્યક્તિ કાર પાછળ છુપાયેલો જોવા મળે છે. હુમલાખોર પાર્કિંગ વિસ્તારમાં બંદૂકથી ગોળીબાર કરતો જોવા મળે છે. ગોળીબાર કરનાર બીજી તરફ વળતાની સાથે જ કાર પાછળ છુપાયેલો વ્યક્તિ તેને પાછળથી પકડી લે છે. આ પછી, બંને વચ્ચે ઝપાઝપી થાય છે, જેમાં તે વ્યક્તિ હુમલાખોર પાસેથી બંદૂક છીનવી લેવામાં સફળ થાય છે.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં પાંચ મેચની એશિઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં 2-0થી આગળ છે . બંને ટીમો વચ્ચેની ત્રીજી ટેસ્ટ હવે એડિલેડમાં રમાવાની છે.

(10:04 PM IST)