<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ ગરીબો માટે સૌથી મોટો ખતરો છે : ખડગેના આકરા પ્રહાર

રામલીલા મેદાનમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - અમે વોટ ચોરી કરનારાઓ વિરુદ્ધ લડી રહ્યા છીએ. કોંગ્રેસની વિચારધારા જ દેશને બચાવી શકે છે

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દિલ્હીમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે, ‘ભાજપ તમામ મુદ્દે પ્રચાર કરે છે, જ્યારે સંસદ શરૂ થાય, ત્યારે મોદી બહાર જતા રહે છે, સંસદમાં આવતા નથી અને તેઓ રાહુલ ગાંધી પર સવાલ કરે છે. રાહુલ ગાંધીએ પ્રશ્નો કર્યા તો વડાપ્રધાન મોદી જવાબ આપતા નથી. હું તમામ લોકોને કહું છું કે, તમે આ ગદ્દાર લોકોને સત્તા પરથી હટાવો.

ખડગેએ વધુમાં કહ્યું કે, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ ગરીબો માટે સૌથી મોટો ખતરો છે. બંધારણે તમને મતનો અધિકાર આપ્યો છે, તે અધિકાર જતો રહેશો તો તમે શું કરશો. આ સરકાર ગરીબો વિશે વિચારતી નથી. અમે વોટ ચોરી કરનારાઓ વિરુદ્ધ લડી રહ્યા છીએ. કોંગ્રેસની વિચારધારા જ દેશને બચાવી શકે છે. રાહુલ ગાંધી દેશ માટે લડી રહ્યા છે, તેથી આપણે તેમની લડાઈને મજબૂત કરવી પડશે. જો તમે કોંગ્રેસના વિચારોને મજબૂત નહીં કરો તો તમને નુકસાન થશે, તેમને નહીં. જો દેશ બચાવો હોય તો તમે તમારા માટે ઉભા રહો.’

કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘વૉટ ચોર ગાદી છોડ’ હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ-આરએસએસ ગરીબો માટે ખતરો હોવાનો, જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ બંધારણ ખતમ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી ચોરીનો મુદ્દે ઉઠાવી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

(11:21 PM IST)