<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

શું એક દીકરીને લાઈફપાર્ટનર નક્કી કરવાનો હક નથી ? : જુઓ વિડિયો

સમાજના બહિષ્‍કાર સામે કિંજલ દવેએ આક્રોશ સાથે મોૈન તોડયુ સુપ્રસિધ્‍ધ લોક ગાયીકાએ કાયદાકીય પગલાની પણ ચિમકી ઉચ્‍ચારી

 

રાજકોટઃ કાંકરેજના શિહોરી ખાતે મળેલી બ્રહ્મસમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારના બહિષ્‍કારના નિર્ણય બાદ ગાયિકાએ મૌન તોડ્‍યું છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો છે કે શું થોડાક લોકો નક્કી કરશે કે મારે કોની સાથે લગ્ન કરવા? સાથે જ તેણે પરિવાર વિરુદ્ધ લખનારાઓ સામે કાયદાકીય જંગ લડવાની ચેતવણી આપી છે.

ગુજરાતની પ્રખ્‍યાત લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં ધ્રુવિન શાહ સાથે સગાઈ કર્યા બાદ ઉભા થયેલા વિવાદમાં હવે આક્રમક વલણ અપનાવ્‍યું છે.

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્‍ય બ્રહ્મસમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્‍કાર કરવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલો વહેતા થયા બાદ, કિંજલ દવેએ તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે.

સમાજના નિર્ણય સામે નારાજગી વ્‍યક્‍ત કરતા કિંજલ દવેએ સોશિયલ મીડિયાના માધ્‍યમથી પોતાનો બળાપો કાઢયો હતો. તેણે લખ્‍યું હતું કે, ‘‘શું બે ચાર તત્‍વો નક્કી કરશે... એક દીકરીને તેનો લાઈફપાર્ટનર નક્કી કરવાનો હક નથી?''. આ નિવેદન દ્વારા તેણે સ્‍પષ્ટ કર્યું છે કે જીવનસાથીની પસંદગી કરવી એ તેનો વ્‍યક્‍તિગત અધિકાર છે અને તેમાં કોઈની દખલગીરી તેને મંજૂર નથી.

પોતાના પરિવારના સમર્થનમાં ઉતરેલી કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ અને વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપી છે. તેણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું છે કે, ‘‘જે પણ લોકો મારા પરિવાર સામે પોસ્‍ટ કે કમેન્‍ટ કરશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈશ''.

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ ૬ ડિસેમ્‍બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ આંતરજ્ઞાતિય સગાઈને પગલે સમાજમાં નારાજગી જોવા મળી હતી અને શિહોરી ખાતે મળેલી બેઠકમાં તેના પિતા લલિતભાઈ દવે સાથેનો વ્‍યવહાર કાપી નાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, હવે કિંજલ દવેના આ વળતા પ્રહાર બાદ આ વિવાદ વધુ વકરે તેવી શકયતા છે

(3:12 PM IST)