<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સિડનીના બોન્ડી બીચ પર લોહીયાળ કાવતરું: 'આતંકવાદી' પિતા અને 'ISIS સ્લીપર સેલ' પુત્રે માસૂમ લોકો પર ગોળીઓ વરસાવી; 6 બંદૂકો હોવા છતાં માતા કેમ રહી અજાણ?

ઓસ્ટ્રેલિયાના ઈતિહાસના સૌથી ભયાનક હુમલાની અંદરની કહાણી: પુત્રને 'આદર્શ' માનતી માતાએ કહ્યું - 'મારો દીકરો તો બંદૂક પકડતા પણ નહોતો જાણતો!'

 

 

સિડની, તા. ૧૫: ઓસ્ટ્રેલિયાના શાંતિપૂર્ણ સિડની શહેરનો બોન્ડી બીચ ગત રવિવારે ગોળીબારની ઘટનાને કારણે લોહીયાળ બની ગયો. હનુક્કાહના યહૂદી તહેવારની ઉજવણી કરી રહેલા લોકો પર એક પિતા-પુત્રની જોડીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલાખોરો ૫૦ વર્ષીય સાજિદ અકરમ અને તેનો ૨૪ વર્ષીય પુત્ર નવીદ અકરમ હતા. ઘટનાસ્થળે જ સાજિદ અકરમનું મોત થયું હતું, જ્યારે આ સમગ્ર કાવતરાના ખુલાસાથી આખું ઓસ્ટ્રેલિયા હચમચી ગયું છે.
આ હુમલાનું આયોજન તેમના ત્રણ બેડરૂમવાળા ફ્લેટમાં થયું હતું, જ્યાંથી પોલીસને ISIS ના ધ્વજ પણ મળી આવ્યા છે. આને કારણે આ હુમલો એક સુનિયોજિત હત્યાકાંડ હોવાની અટકળોએ જોર પકડ્યું છે. પોલીસનું કહેવું છે કે નવીદ અકરમ ISIS સ્લીપર સેલનો ભાગ હતો. જોકે, સૌથી આશ્ચર્યજનક અને દુઃખદ વાત એ છે કે નવીદની માતા, વેરેના, આજે પણ આ વાત માનવા તૈયાર નથી કે તેનું ઘર એક ભયાનક આતંકવાદી કાવતરાનું કેન્દ્ર હતું.
'આદર્શ' પુત્રની ખોટી છબી:
વેરેનાના જણાવ્યા મુજબ, તેનો પુત્ર નવીદ એકદમ શાંત સ્વભાવનો હતો. તે દારૂ પીતો નહોતો, ધૂમ્રપાન કરતો નહોતો અને બહાર પણ ઓછો જ જતો હતો. તેની નજરમાં, તે એક 'આદર્શ' પુત્ર હતો. વેરેનાએ તો ત્યાં સુધી કહ્યું કે તેને એ પણ ખબર નથી કે નવીદને બંદૂક ચલાવતા આવડતી હતી કે નહીં, કારણ કે તે કોઈ હથિયાર રાખતો નહોતો. જોકે, પોલીસને તેમના ઘરમાંથી છ લાઇસન્સ પ્રાપ્ત બંદૂકો મળી આવી છે, જેનો ઉપયોગ સાજિદ શિકાર માટે કરતો હતો. નવીદ જે રીતે બંદૂક સંભાળતો હતો તે જોતાં તે ટ્રેન્ડ થયેલો હોય તેવું લાગતું હતું.
પિતાનું પાકિસ્તાન કનેક્શન અને એજન્સીનું રડાર:
સાજિદ અકરમ ૧૯૯૮ માં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યો હતો અને બાદમાં પાર્ટનર વિઝા પર અહીં સ્થાયી થયો હતો. પુત્ર નવીદના ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની શંકાને કારણે ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર એજન્સી ASIO છ વર્ષથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. 2019 માં એક આતંકવાદીની ધરપકડ બાદ નવીદ એજન્સીના રડાર પર હતો. આમ છતાં, આ પિતા-પુત્રની જોડી કોઈને જાણ ન થાય તે રીતે આ ગુનાનું કાવતરું ઘડવામાં સફળ રહી. ગોળીબારના થોડા કલાકો પહેલા જ નવીદે પોતાની માતાને કહ્યું હતું કે તે તેના પિતા સાથે સ્વિમિંગ અને સ્કુબા ડાઇવિંગ કરવા જર્વિસ ખાડીમાં ગયો છે, જ્યારે હકીકતમાં તેઓ નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા હતા.
વેરેનાના ઈન્ટરવ્યૂ પરથી સ્પષ્ટ થાય છે કે આ કાવતરાની જાણ સાજિદ અને નવીદ સિવાય તેમના ઘરમાં કોઈને નહોતી. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ બંનેએ આ ભયાનક હુમલાનું કાવતરું કેવી રીતે અને કોની મદદથી પાર પાડ્યું.

 

(4:44 PM IST)