News of Monday, 15th December 2025
વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં VIP દર્શન-પૂજા પર સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકાર અને અધિકારીઓને નોટિસ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'દેવતાને આરામ નથી કરવા દેવામાં આવતો. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન નથી કરી શકતા, તે સમયે મોટી ફી આપનારા લોકો માટે વિશેષ પૂજાનું આયોજન થાય છે.

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં યમુના નદીના કિનારે આવેલા વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં VIP દર્શન-પૂજા પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મંદિરોમાં પૈસા આપીને કરાતી વિશેષ પૂજાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર (15 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'દેવતાને આરામ નથી કરવા દેવામાં આવતો. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન નથી કરી શકતા, તે સમયે મોટી ફી આપનારા લોકો માટે વિશેષ પૂજાનું આયોજન થાય છે. દર્શન કરવાનો હાલનો સમય ભગવાનનું શોષણ કરવા જેવો છે. 'સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને તેના અધિકારીઓને નોટિસ પાઠવી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે આ ટિપ્પણી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન અને પૂજા પદ્ધતિઓમાં ફેરફારને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. જેમાં કોર્ટ દ્વારા નિયુક્ત હાઈ પાવર્ડ કમિટીના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેણે સામાન્ય ભક્તો માટે દર્શનનો સમય વધારવાની વિનંતી કરી હતી. જોકે, સુનાવણીના અંતે કોર્ટે હાઈ પાવર્ડ કમિટીને નોટિસ જારી કરી હતી. આ સાથે અરજી પર અધિકારીઓ પાસેથી આ અંગે જવાબ પણ માગવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી જાન્યુઆરીમાં થશે.
આ અરજી શ્રી બાંકે બિહારીજી મંદિર ટ્રસ્ટ અધ્યાદેશ, 2025 ને પડકારે છે. મંદિરના સેવા અધિકારી જણાવે છે કે મંદિરનું સંચાલન 1939માં ઘડવામાં આવેલી એક ખાસ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને સરકારનો તેના પર કોઈ અધિકાર નથી.
એક અહેવાલ મુજબ, અરજદારના વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે, જે મંદિરની ધાર્મિક વિધિઓનો અભિન્ન ભાગ છે. જે સમયે મંદિર જનતા માટે ખુલ્લુ રહે છે, તે એક લાંબી પરંબરાનો ભાગ છે. ઐતિહાસિક રીતે કડક સમયનું પાલન કરવામાં આવી રહ્યું છે. CJI સૂર્યકાંતે પૂછ્યું કે જો દર્શનનો સમય વધારવામાં આવે તો શું સમસ્યા છે. અરજદારે દલીલ કરી હતી કે દર્શનનો સમય બદલવાનો અર્થ મંદિરની અંદરની ધાર્મિક વિધિઓમાં પણ ફેરફાર થશે, જેમાં દેવતાઓનો આરામ કરવાનો સમય પણ સામેલ છે.
CJI સૂર્યકાંતે કહ્યું, 'મંદિર બપોરે 12 વાગ્યે બંધ થયા પછી તેઓ દેવતાને એક મિનિટ પણ આરામ કરવા દેતા નથી. તે સમય દરમિયાન તેમને સૌથી વધુ હેરાન કરવામાં આવે છે, અને શ્રીમંત લોકો માટે સ્પેશિયલ પૂજા કરવામાં આવે છે, જેના માટે તેઓ ખૂબ ફી લે છે. આ સમય દરમિયાન, જે લોકો મોટી રકમ ચૂકવી શકે છે તેમને આમંત્રણ આપવામાં આવે છે, અને તેમના માટે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે.'
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
