<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

પશ્ચિમ એશિયાનો રાજદ્વારી પ્રવાસ: PM મોદી જોર્ડન પહોંચ્યા : ભવ્ય સ્વાગતથી દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું; રાજા અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર મુલાકાત : વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

અમ્માન :  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દેશો (જોર્ડન, ઇથોપિયા અને ઓમાન)ની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું સ્વાગત જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે, જે ભારત-જોર્ડન રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જોર્ડન આવીને ખુશી વ્યક્ત કરી અને ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો.

વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે અને તેમને નવી દિશા આપશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, પ્રાદેશિક મુદ્દાઓ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર અનેક ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ચર્ચા થવાની અપેક્ષા છે. જોર્ડનમાં વસતા ભારતીય ડાયસ્પોરામાં પણ વડાપ્રધાન મોદીને મળવા અને સ્વાગત કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જોર્ડનમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારતીય ડાયસ્પોરા સમિતિના સભ્ય સનલ કુમારે જણાવ્યું હતું કે ભારતીયોનો આ ઉદ્યોગમાં લગભગ ૫૦ ટકા હિસ્સો છે અને તેઓ લગભગ ૩૫,૦૦૦ લોકોને રોજગારી આપે છે. તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, "વિશ્વના કોઈપણ ખૂણામાં જાઓ, તમે ભારતના છો તેવું કહેતાની સાથે જ લોકો તરત જ વડા પ્રધાન મોદીનો ઉલ્લેખ કરે છે." આ મુલાકાત પશ્ચિમ એશિયામાં ભારતની વ્યૂહાત્મક હાજરીને મજબૂત કરવા અને આર્થિક સહયોગ વધારવાના વ્યાપક હેતુને પ્રતિબિંબિત કરે છે.

(8:06 PM IST)