<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સિડનીના બોન્ડી બીચ ખાતે આડેધડ ગોળીબાર વચ્ચે આતંકીને પકડી લેનાર અહેમદ અલ અહેમદની ચોમેર પ્રશંશા : વિશ્વભરમાંથી ધનવર્ષા

ઈજાગ્રસ્ત અહેમદ માટે એક યહૂદી અબજોપતિએ ડોનેશન શરૂ કર્યું : અત્યાર સુધીમાં લગભગ 11.42 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થઈ ચૂક્યું છે.

ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોન્ડી બીચ ખાતે યહૂદીઓના હનુક્કાહ પર્વની ઉજવણી દરમિયાન આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. આડેધડ ગોળીબાર ચાલુ હતો છતાં એક બહાદુર વ્યક્તિ અહેમદ અલ અહેમદે આતંકવાદીને પકડી લીધો હતો, જેની વિશ્વભરમાં ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. હુમલામાં અહેમદને પણ ગોળી વાગી હતી. હવે વિશ્વભરમાંથી અનેક લોકો અહેમદની મદદ કરવા માટે આગલ આવ્યા છે. ઈજાગ્રસ્ત અહેમદ માટે એક યહૂદી અબજોપતિએ ડોનેશન શરૂ કર્યું છે. ત્યારે આ લખાયા ત્યાં સુધીમાં લગભગ 11.42 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થઈ ચૂક્યું છે. 

    સિડનીના સધરલેન્ડમાં ફળોની દુકાન ચલાવતા 43 વર્ષીય અહેમદ બે બાળકોના પિતા છે, તે એવા વ્યક્તિ છે જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ગોળીબાર વચ્ચે તેઓ એક હુમલાખોરને પાછળી પકડી લેતા અને તેની બંદૂક છીનવી લેતા અને તેના પર તાકી દેતા જોવા મળે છે. આ હુમલામાં તેમને પણ ગોળી વાગી હોવાના અહેવાલો છે. તેમની આ બહાદુરીના કારણે અનેક નિર્દોષ લોકોનો જીવ બચી ગયો હોવાનું માનવામાં આવે છે. 

   અમેરિકાના જાણીતા યહૂદી ઉદ્યોગપતિ વિલિયમ એકમેન (બિલ એકમેન)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અહેમદના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ સ્પષ્ટ છે કે એક બહાદુર હીરોએ ઓસ્ટ્રેલિયામાં અનેક લોકોનો જીવ બચાવ્યો. એકવાર આ હીરોની ઓળખ થાય, તો કૃપા કરીને એક વેરિફાઇડ GoFundMe સેટઅપ કરો, જેથી અમે તેને અને તેના પરિવારને ઈનામ આપી શકીએ.’ એકમેને અહેમદને 99.999 ડોલર (લગભગ 90.73 લાખ રૂપિયા)નું ફંડ આપીને અભિયાનની શરૂઆત કરી છે. આ ફંડ સીધું અહેમદ અલ અહેમદને આપવામાં આવશે.

(11:00 PM IST)