<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

પંજાબમાં ટુર્નામેન્ટ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ: કબડ્ડી ખેલાડીની ગોળી મારીને કરપીણ હત્યા

હુમલાખોર સેલ્ફી લેવાના બહાને પ્રમોટર રાણા બલાચૌરીની નજીક આવ્યો: આરોપી જતા સમયે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો

પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન આજે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે. 

બેદવાન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલી રહેલા આ કબડ્ડી ટુર્નામેન્ટના પ્રમોટર રાણા બલાચૌરી પર જ હુમલો થયો છે. આ હુમલા અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હુમલાખોરે સીધા રાણા બલાચૌરીને નિશાન બનાવતા ગોળીબાર કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જતા સમયે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો હતો, આ સમયે મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા જ DSP હરસિંહ બલ્લ ઘટના સ્થળે પહોંચ્યા અને ખુદ ઘાયલ રાણા બલાચૌરીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં રાણા બલાચૌરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ક્લબમાં હાજર લોકોનું માનીએ તો હુમલાખોર સેલ્ફી લેવાના બહાને પ્રમોટર રાણા બલાચૌરીની નજીક આવ્યો હતો. આ મેચમાં સિંગર મનકીરત ઔલખ પણ આવવાના હતા. તેમના આવવાના અડધા કલાક પહેલા આ હુમલો થયો. સૂત્રોના અનુસાર, આ હુમલા પાછળ બંબીહા ગ્રુપનું નામ બતાવાય રહ્યું છે. જોકે, આ અંગે પંજાબ પોલીસે સત્તાવાર નિવેદન નથી આપ્યું.

 

(11:16 PM IST)