<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

દિલ્‍હી જતાં પહેલા ડોક્‍ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી

વિઝિબિલિટી ન હોવાના કારણે દિલ્‍હી એરપોર્ટ પર ૨૨૮ ફલાઈટ્‍સ રદ કરવાની નોબત

નવી દિલ્‍હી તા.૧૬: દેશના પાટનગર દિલ્‍હીમાં છેલ્‍લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્‍યો નથી. દિવસેને દિવસે પરિસ્‍થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત ૪૦૦થી ૪૫૦ને પાર જઈ રહ્યો છે.  આનંદવિહારમાં ૪૯૩

નોંધાયો. જે બાદ હવે અન્‍ય દેશો દિલ્‍હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્‍હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્‍યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્‍ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડોક્‍ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્‍હી જેવા શહેરી વિસ્‍તારોમાં પ્રદૂષણ અને ધુમ્‍મસના કારણે શિયાળામાં પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્‍મસના કારણે દિલ્‍હીના કેટલાક વિસ્‍તારોમાં AQI ૫૦૦ની નજીક નોંધાયો છે. પરિસ્‍થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્‍હી એરપોર્ટ પર ૨૨૮ ફલાઈટ્‍સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્‍હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં ૫૦ ટકા સ્‍ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.

(9:53 AM IST)