હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આધુનિક યુદ્ધના ઇતિહાસમાં પ્રથમ ઘટના: યુક્રેને 'સી બેબી' અન્ડરવોટર ડ્રોન વડે હુમલો કરી રશિયાની અત્યાધુનિક 'કિલો-ક્લાસ' સબમરીન ફૂંકી મારી
બ્લેક સી નેવી મથક પરના હુમલાથી વિશ્વભરના સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ: આ સબમરીનમાંથી યુક્રેન પર ક્રુઝ મિસાઈલો દાગવામાં આવતી હતી

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધમાં એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુક્રેનની સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવેલા સનસનીખેજ દાવા મુજબ તેમણે આધુનિક યુદ્ધના ઈતિહાસમાં પ્રથમ વખત અન્ડરવોટર ડ્રોનનો ઉપયોગ કરીને રશિયાની એક શક્તિશાળી સબમરીનનો ખાતમો બોલાવી દીધો છે. આ ઘટનાએ માત્ર રશિયાને જ નહીં પરંતુ વિશ્વભરના સંરક્ષણ નિષ્ણાતોને પણ સ્તબ્ધ કરી દીધા છે.
વિવિધ મીડિયા અહેવાલો મુજબ યુક્રેને તેના ખાસ પ્રકારના સી બેબી નામના અન્ડરવોટર ડ્રોનનો ઉપયોગ કરીને બ્લેક સી એટલે કે કાળા સમુદ્રમાં આવેલા રશિયાના મહત્વના નોવોરોસિસિસ્ક નૌકા મથક પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્યાં તૈનાત રશિયાની કિલો ક્લાસ એટેક સબમરીનને સીધું નિશાન બનાવવામાં આવી હતી.
યુક્રેની અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રોન હુમલામાં આ વિશાળકાય સબમરીન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે અને હવે તે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહી નથી.
આ ઘટનાનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે કારણ કે રશિયા આ કિલો ક્લાસ સબમરીનનો ઉપયોગ યુક્રેનના રહેણાંક વિસ્તારો અને પાવર પ્લાન્ટ્સ પર વિનાશક ક્રુઝ મિસાઈલો છોડવા માટે કરતું હતું.
રશિયા માટે નોવોરોસિસિસ્ક બંદર સુરક્ષિત માનવામાં આવતું હતું પરંતુ યુક્રેને પાણીની અંદર ડ્રોન મોકલીને રશિયાની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી દીધા છે. રોયટર્સ સહિતના આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ એસબીયુના સૂત્રોએ આ ઓપરેશનની સફળતાની પુષ્ટિ કરી છે.
સંરક્ષણ ક્ષેત્રના જાણકારોના મતે કોઈપણ યુદ્ધમાં અન્ડરવોટર ડ્રોન દ્વારા કોઈ સબમરીનનો શિકાર કરવામાં આવ્યો હોય તેવી આ વિશ્વની સૌપ્રથમ ઘટના માનવામાં આવે છે. અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ હવામાં કે પાણીની સપાટી પરના જહાજો પર હુમલો કરવા માટે થતો હતો પરંતુ પાણીની અંદર જઈને સબમરીનને ટાર્ગેટ કરવાની આ નવી ક્ષમતાએ યુદ્ધની જૂની પદ્ધતિઓ સામે નવો પડકાર ઊભો કર્યો છે. આ હુમલા બાદ રશિયાના નૌકાદળને મોટો ફટકો પડ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
