<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

PUC કઢાવવાનું મોંઘુ : રૂ.૫૦ સુધીનો ભાવ વધારો

રાજય સરકારે ૮ વર્ષ બાદ ભાવ વધારો ઝીંકયો : ટુ વ્‍હીલર માટે હવે રૂ.૫૦, થ્રી વ્‍હીલર માટે રૂ.૬૦, કાર માટે રૂ.૧૩૦ આપવાના : રાજયમાં આશરે ૨૦૦૦ પીયુસી સેન્‍ટરોમાં નવા દરો અમલી : સંચાલકોની લાંબા સમયથી ભાવ વધારાની માંગણી હતી

 

અમદાવાદ, તા.૧૬: રાજ્‍યમાં વાહનો માટે ફરજિયાત પોલ્‍યુશન અન્‍ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવો પડશે. ગુજરાત રાજ્‍યના વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા પીયુસી ફીમાં રૂ.૧૦થી લઈને રૂ.૫૦ સુધીનો વધારો કરવામાં આવ્‍યો છે. લગભગ આઠ વર્ષ બાદ આ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્‍યો હોવાનું સામે આવ્‍યું છે. રાજ્‍યમાં કાર્યરત આશરે ૨૦૦૦ પીયુસી સેન્‍ટરોમાં હવે નવા દરનો અમલ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. જેમાં ટુ-વ્‍હીલર, થ્રી-વ્‍હીલર, કાર તેમજ ડીઝલ અને હેવી મોટર વાહનો માટે પીયુસીના નવા દર નક્કી કરવામાં આવ્‍યા છે. વિભાગે સ્‍પષ્ટ સૂચના આપી છે કે પીયુસી સેન્‍ટરના સંચાલકો નિયત ફી સિવાય એક પણ રૂપિયા વધારાના વસૂલ કરી શકશે નહીં. નિયમ ભંગ થવાના કેસમાં આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

નવા દર મુજબ ટુ-વ્‍હીલર માટે અગાઉ રૂ.૩૦ વસૂલવામાં આવતા હતા, જેમાં રૂ.૨૦નો વધારો કરીને હવે રૂ.૫૦ લેવામાં આવશે. થ્રી-વ્‍હીલર માટે જૂનો દર રૂ.૫૦ હતો, જે હવે રૂ.૧૦ વધારીને રૂ.૬૦ કરવામાં આવ્‍યો છે. કાર માટે અગાઉ રૂ.૮૦ ફી હતી, જેમાં સીધો રૂ.૫૦નો વધારો કરીને રૂ.૧૩૦ કરવામાં આવ્‍યા છે. જ્‍યારે ડીઝલ અને હેવી મોટર વાહનો માટે અગાઉ રૂ.૧૦૦ વસૂલવામાં આવતા હતા, તેમાં પણ રૂ.૫૦નો વધારો કરીને હવે રૂ.૧૫૦ ફી નક્કી કરવામાં આવી છે.

વાહનવ્‍યવહાર વિભાગના જણાવ્‍યા અનુસાર, પીયુસી સેન્‍ટરો દ્વારા વાહનનું સર્ટિફિકેટ ઇશ્‍યૂ કરતી વખતે તેની તમામ વિગતો ઓનલાઇન અપલોડ કરવી ફરજિયાત છે. જોકે, ઘણા પીયુસી સેન્‍ટરો દ્વારા આ નિયમનું યોગ્‍ય રીતે પાલન થતું ન હોવાનું સરકારના ધ્‍યાનમાં આવ્‍યું છે. કેટલાક સેન્‍ટરો માત્ર સમયમર્યાદા મુજબ બિનચકાસણી સાથે ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્‍યૂ કરી દેતા હોવાનું અગાઉ તપાસમાં બહાર આવ્‍યું હતું.

આ બાબતને લઈ રાજ્‍યના વિવિધ આરટીઓ કચેરીઓ દ્વારા સમયાંતરે પીયુસી સેન્‍ટરો પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને નિયમ ભંગ થવાના કેસમાં દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં, કેટલાક સેન્‍ટરો દ્વારા હજી પણ બોગસ પીયુસી સર્ટિફિકેટ ઇશ્‍યૂ કરાતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પીયુસી સેન્‍ટરોના સંચાલકો દ્વારા લાંબા સમયથી ભાવ વધારો કરવાની માગ કરવામાં આવી રહી હતી. મશીનોની જાળવણી, સોફ્‌ટવેર ખર્ચ અને કામગીરીના ખર્ચમાં વધારો થતો હોવાની રજૂઆત ઉચ્‍ચ સ્‍તરે કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકારે ભાવ વધારો મંજૂર કર્યો હોવાનું માનવામાં આવે છે.(૨૩.૨૫)

વાહનનો પ્રકાર          જૂની ફી નવી ફી વધારો

ટુ-વ્‍હીલર (બાઈક/સ્‍કૂટર) ૩૦       ૫૦      ૨૦

થ્રી-વ્‍હીલર (રિક્ષા)       ૫૦       ૬૦       ૧૦

ફોર-વ્‍હીલર (કાર)        ૮૦     ૧૩૦    ૫૦

ભારે વાહન (બસ/ટ્રક)   ૧૦૦    ૧૫૦    ૫૦

(3:03 PM IST)