<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ગુજરાતમાં વાઘને ટકાવી રાખવા રતનમહાલમાં સાંભર- ચિત્તલ છોડાયા

 

છોટાઉદેપુરઃ રાજ્‍યમાં ૧૦ મહિનાથી વાઘનો વસવાટ હોવાનું થોડા સમય પહેલા જાહેર થયું હતું. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખાવા મળ્‍યો હતો. જોકે આ વાઘ પાછો જતો ન રહે તે માટે વાઘણને અભયારણ્‍યમાં લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ૧૫૦ વર્ષ પછી રતનમહાલના જંગલોમાં સાંભરની વાપસી થઈ છે.

રતનમહાલના જંગલોમાંથી લુપ્ત થયાના ૧૫૦ વર્ષ પછી સાંભર અને ચિતલ ફરીથી પાછા ફર્યા છે. આ વિસ્‍તારમાં વાઘ જોવા મળ્‍યા બાદ, વન વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં આ જંગલોમાં ૧૫ સાંભર અને ૨૨ ચિતલ ફરીથી છોડ્‍યા હતા. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, સાંભર અને ચિતલોએ રતનમહાલના વાતાવરણમાં અનુકૂલન સાધી લીધું છે. આ પ્રાણીઓ આ જંગલની ઇકોસિસ્‍ટમનો ભાગ હતા, પરંતુ લાંબા સમય પહેલા અદૃશ્‍ય થઈ ગયા હતા.

સાંભર લગભગ ૧૫૦વર્ષ પહેલા લુપ્ત થયા હતા, જ્‍યારે ચિતલો છેલ્લા ચારથી પાંચ દાયકામાં અહીં જોવા મળ્‍યા નહોતા. વાઘ જોવા મળતાં રતનમહાલમાં નવા પ્રાણીઓ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. સાંભરને રતનમહાલ નજીકના સંવર્ધન કેન્‍દ્રમાંથી લાવવામાં આવ્‍યા હતા અને જંગલમાં છોડવામાં આવ્‍યા હતા.

સૂત્રોએ જણાવ્‍યું કે, જો પૂરતો શિકાર ઉપલબ્‍ધ હશે, તો વાઘ રતનમહાલમાં જ રહેવાની શકયતા વધુ છે. તાજેતરના મહિનાઓમાં રતનમહાલમાં જે ચિતલોને છોડ્‍યા હતા, તેમાંથી બેનો શિકાર વાઘે કર્યો છે. આ પરિણામોથી પ્રોત્‍સાહિત થઈને, વન વિભાગ એક મહિનામાં રતનમહાલમાં વધુ ૧૫ સાંભર છોડવાની યોજના બનાવી રહ્યું છે. શિકાર શોધમાં દીપડાઓ ઘણીવાર ગામડાઓમાં આવી જાય છે, તેમને પણ જંગલમાં રાખવામાં મદદ મળશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્‍યું કે વધુ પડતા શિકાર અથવા અન્‍ય સ્‍થળોએ ધીમે ધીમે સ્‍થળાંતર થવાને કારણે સાંભર અને ચિતલો રતનમહાલમાંથી અદૃશ્‍ય થઈ ગયા હતા. રતનમહાલ નજીક એક મોટું સાંભર સંવર્ધન કેન્‍દ્ર સ્‍થાપવાની યોજના બનાવવામાં આવી રહી છે. એકવાર તેમની સંખ્‍યા વધશે, પછી તેમને જંગલમાં છોડવામાં આવશે.

(4:14 PM IST)