હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેશનલ હેરાલ્ડઃ સોનિયા-રાહુલને રાહત
કોર્ટે ઈડીની ચાર્જશીટના આધારે કાર્યવાહીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી, તા.૧૬: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એકસાથે રાહત અને ઝટકો આપ્યો છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ પર નોંધ લેવાનો સ્પષ્ટપણે ઇનકાર કરીને ગાંધી પરિવારને મોટી કાનૂની રાહત આપી છે. કોર્ટે જણાવ્યું કે EDનો કેસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ખાનગી ફરિયાદ પર આધારિત હતો, FIR પર નહીં, અને FIR વિના મની લોન્ડરિંગ તપાસ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી, જેનાથી હાલ પૂરતું ગાંધી પરિવાર સામેનો EDનો મુખ્ય કેસ નિષ્ફળ ગયો છે.
કોર્ટના આદેશથી સ્પષ્ટ થાય છે કે, જ્યાં સુધી મૂળ ગુનો નોંધાયો ન હોય, ત્યાં સુધી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ કાર્યવાહી કરી શકાતી નથી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. કોર્ટે તાજેતરમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ કરવામાં આવેલી નવી FIRની નકલ આરોપીઓને (રાહુલ-સોનિયા ગાંધી સહિત) પૂરી પાડવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને ફગાવી દીધો છે. EOWએ ૩ ઓક્ટોબરના રોજ યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડના -મોટર્સ વિરુદ્ધ રૂ.૨,૦૦૦ કરોડની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની સંપત્તિઓ હસ્તગત કરવાના કથિત કૌભાંડમાં નવી FIR નોંધી હતી.
આ નિર્ણય કાયદાકીય લડાઈમાં એક રસપ્રદ વળાંક લાવે છે. EDની કાર્યવાહી ભલે ટેકનિકલ કારણોસર રદ થઈ ગઈ હોય, પરંતુ EOWની નવી FIRનું મહત્ત્વ હવે વધી ગયું છે. EDના સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે જો કોઈ માન્ય FIR દાખલ થશે, તો તેઓ ફરીથી મની લોન્ડરિંગની તપાસ શરૂ કરશે અને ચાર્જશીટ દાખલ કરશે. કોર્ટ દ્વારા નવી FIRની નકલ આપવામાં ન આવતાં, ગાંધી પરિવાર માટે આગળની વ્યૂહરચના બનાવવી વધુ મુશ્કેલ બની શકે છે. આ કેસમાં ૧૯૩૮માં પંડિત નેહરુ દ્વારા સ્થપાયેલા નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કંપની AJLની સંપત્તિઓનો વિવાદ કેન્દ્રમાં છે.
નેશનલ હેરાલ્ડ કેસ માત્ર એક કાનૂની લડાઈ નથી, પરંતુ રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર પણ છે. EDએ અગાઉ રૂ.૬૬૧ કરોડની સ્થાવર મિલકતો અને રૂ.૯૦.૨ કરોડના AJL શેર જપ્ત કર્યા હતા, જેને ગુનામાંથી મળેલી રકમ ગણાવવામાં આવી હતી. કોર્ટનો આ રાહત અને ઝટકાનો મિશ્ર આદેશ સૂચવે છે કે ભલે ગાંધી પરિવારે EDના તાત્કાલિક જોખમમાંથી છુટકારો મેળવ્યો હોય, પરંતુ EOWની નવી અને વધુ કડક તપાસ હજુ પણ તેમના માથા પર લટકેલી છે. આ કેસની આગળની કાર્યવાહી અને EOWની તપાસ પર સૌની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
