News of Tuesday, 16th December 2025
રૂરકી રેલવે સ્ટેશન પર હલચલ: 4 વર્ષથી ગેરકાયદેસર રહેતા અફઘાન નાગરિકની ધરપકડ, ટ્રેનમાંથી પકડાયો
કંદહારનો રહેવાસી નજીબુલ્લાહ ઉત્તર પ્રદેશના દેવબંદમાં અભ્યાસ કરતો હતો; પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ

હરિદ્વાર, તા. ૧૬ : ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં આવેલા રૂરકી રેલવે સ્ટેશન પર સોમવારે મોડી સાંજે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો હતો, જેની ઓળખ એક ગેરકાયદેસર રહેતા અફઘાન નાગરિક તરીકે થઈ છે. RPF એ તાત્કાલિક તેની અટકાયત કરીને તેને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો.
ગ્રામીણ પોલીસ અધિક્ષક શેખર ચંદ્ર સુયાલે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ નજીબુલ્લાહ છે, જે અફઘાનિસ્તાનના કંદહાર શહેરનો રહેવાસી છે. તે બાંદ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મોડી સાંજે કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેનની ચેઈન ખેંચવાનો પ્રયાસ કરતાં ટ્રેન રૂરકી સ્ટેશન પાસે અટકી ગઈ હતી. ચેઈન ખેંચનારની શોધખોળ દરમિયાન, RPF ટીમને સ્ટેશન પરિસરમાં આ શંકાસ્પદ યુવાન મળી આવ્યો હતો. પૂછપરછ અને તપાસ કરતાં તે અફઘાન નાગરિક હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે નજીબુલ્લાહ ૨૦૧૮ થી ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના દેવબંદ વિસ્તારમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તે છેલ્લા ચાર વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. RPF દ્વારા તેને ગંગાનગર કોતવાલી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ગંગનગર કોતવાલી પોલીસે નજીબુલ્લાહ વિરુદ્ધ કેસ નોંધી તેની ધરપકડ કરી છે. તેની પાસેથી એક મોબાઇલ ફોન, ₹૧,૨૦૦ રોકડા અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. હાલમાં, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ભારતમાં તેના ગેરકાયદેસર રોકાણના હેતુઓ અને પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી શકાય.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
