<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

મેસ્સીના કાર્યક્રમમાં VIP અંધાધૂંધીએ મમતા સરકારને શરમાવી: રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસનું રાજીનામું સ્વીકારાયું!

સોલ્ટ લેક સ્ટેડિયમમાં 'GOAT ટૂર' દરમિયાન ચાહકોએ મેસ્સીને જોવા ન મળતા તોડફોડ કરી; VIP સંસ્કૃતિની ટીકા વચ્ચે સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

કોલકાતા :વિશ્વ વિખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સીના કોલકાતામાં આયોજિત 'GOAT ઇન્ડિયા ટૂર' કાર્યક્રમમાં થયેલી ભારે અંધાધૂંધી અને ચાહકોના આક્રોશને પગલે પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ ઘટનાએ માત્ર ફૂટબોલપ્રેમી કોલકાતાને જ નહીં, પરંતુ સમગ્ર મમતા બેનર્જી સરકારને મોટી શરમમાં મૂકી દીધી છે.
૨૦ મિનિટમાં જ મેસ્સીએ સ્ટેડિયમ છોડ્યું: ૧૩ ડિસેમ્બરના રોજ સોલ્ટ લેક સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં હજારો ચાહકોએ હજારો રૂપિયાની ટિકિટ ખરીદીને મેસ્સીની એક ઝલક જોવા માટે ભારે ભીડ કરી હતી, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિરાશ થયા હતા.

ટિકિટ ખરીદનારા સામાન્ય ચાહકો મેસ્સીને જોઈ શક્યા નહોતા, કારણ કે રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ સહિત અનેક પ્રભાવશાળી વ્યક્તિઓ અને રાજકારણીઓએ મેદાનમાં મેસ્સીને ઘેરી લીધો હતો.
: કાર્યક્રમમાં એટલી હદે અવ્યવસ્થા ફેલાઈ કે લિયોનેલ મેસ્સી માત્ર ૨૦ મિનિટમાં જ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા. ગુસ્સે ભરાયેલા દર્શકોએ બોટલો ફેંકી, ખુરશીઓ તોડી નાખી અને સ્ટેડિયમની સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મંત્રીનું રાજીનામું અને ઉચ્ચ સ્તરીય તપાસ: આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી.
 રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે મુખ્યમંત્રીને પત્ર લખીને રાજીનામું સુપરત કર્યું, જેમાં તેમણે નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે મંત્રી પદની ફરજોમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી.
 લિયોનેલ મેસ્સીના પ્રવાસના આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ મહાનિર્દેશકને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. વિપક્ષ ભાજપે આ ઘટનાની સખત નિંદા કરીને ટિકિટના સંપૂર્ણ પૈસા પાછા આપવાની માંગ કરી છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર બૈચુંગ ભૂટિયાએ પણ આ VIP સંસ્કૃતિ પર સવાલ ઉઠાવ્યા છે

(8:04 PM IST)