<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

બરફના ભારે તોફાન વચ્ચે નંદા દેવીના બર્ફીલા પહાડોમાં દટાયેલું છે એક ભયાનક રહસ્ય

ચીનની જાસૂસી કરવા માટે સીઆઈએ અને ભારતે સંયુક્ત રીતે ગોઠવેલું પરમાણુ બોમ્બ જેવું એ સાધન ક્યાં ગાયબ થઈ ગયું?

ભારત અને ચીનની સરહદ પર હિમાલયની ટોચ પર આજે પણ એક એવું રહસ્ય દબાયેલું છે જેની ચર્ચા દાયકાઓ પછી પણ શમતી નથી. વાત છે ૧૯૬૦ના દાયકાની જ્યારે શીત યુદ્ધ અને ચીનના પરમાણુ પરીક્ષણોને કારણે ભારત અને અમેરિકા બંને ચિંતામાં હતા. આ સમયે અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએ અને ભારતીય ગુપ્તચર તંત્રએ મળીને એક અત્યંત જોખમી મિશન પાર પાડવાનું નક્કી કર્યું હતું. આ મિશન હતું નંદા દેવી પર્વત પર એક પરમાણુ સંચાલિત જાસૂસી ઉપકરણ ગોઠવવાનું. તાજેતરમાં વિવિધ અહેવાલો અને સોશિયલ મીડિયા પર આ ઘટના ફરીથી ચર્ચામાં આવી છે.

 

*ચીનના પરમાણુ પરીક્ષણથી દુનિયાભરમાં ફફડાટ*

ઘટનાની શરૂઆત ઓક્ટોબર ૧૯૬૪માં થઈ હતી જ્યારે ચીને શિનજિયાંગ પ્રાંતમાં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ વિસ્ફોટ અમેરિકાએ નાગાસાકી પર ફેંકેલા બોમ્બ કરતા પણ મોટો હતો. તે સમયે ચીનની આ હરકતને કારણે અમેરિકાના પ્રમુખ લિન્ડન જોહ્ન્સન અને ભારત સરકાર બંને સતર્ક થઈ ગયા હતા. ૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે મળેલા પરાજય બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ પણ ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આતુર હતી. આ સ્થિતિમાં ચીનના મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમો પર નજર રાખવા માટે હિમાલયની ઊંચાઈનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો.

 

*સૌથી પહેલા કાંચનજંઘાની પસંદગી કરાઈ હતી*

સીઆઈએ શરૂઆતમાં આ જાસૂસી ઉપકરણ માઉન્ટ એવરેસ્ટ અને કે ટુ પછી વિશ્વના ત્રીજા સૌથી ઊંચા શિખર કાંચનજંઘા પર લગાવવા માંગતી હતી. જોકે તે સમયે ભારતીય નૌકાદળના અધિકારી અને પ્રખ્યાત પર્વતારોહક એમ એસ કોહલીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ કામ અત્યંત મુશ્કેલ છે અને કોઈ મૂર્ખ જ આવી સલાહ આપી શકે. અમેરિકન પર્વતારોહક જોન મેકકાર્થીએ પણ આ વાતમાં સુર પુરાવ્યો હતો કે એટલી ઊંચાઈ પર આટલા ભારે સાધનો લઈ જવા અશક્ય છે.

 

ત્યારબાદ ૧૪ મે ૧૯૬૫ના રોજ ચીને લોપ નૂર ખાતે બીજું પરમાણુ પરીક્ષણ કર્યું. આ ઘટના બાદ તાત્કાલિક નિર્ણય બદલાયો અને જાસૂસી સ્ટેશન માટે નંદા દેવી શિખરની પસંદગી કરવામાં આવી. ૨૬૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતું અને ભારતની સરહદમાં આવેલું આ શિખર ચીન પર નજર રાખવા માટે ઉત્તમ હતું.

 

*મિશન માટે નેશનલ જિયોગ્રાફિકના નામે કવર સ્ટોરી બનાવાઈ*

આ મિશન અત્યંત ગુપ્ત હતું. આખી યોજનાને વિશ્વની નજરથી છુપાવવા માટે એક ખોટી વાર્તા તૈયાર કરવામાં આવી હતી. આ મિશનના મુખ્ય સુત્રધાર બેરી બિશપે મિશન લેટરહેડ અને પ્રોસ્પેક્ટસ તૈયાર કર્યા અને તેને સિક્કિમ સાયન્ટિફિક એક્સપેડિશન નામ આપ્યું. દુનિયાને એમ કહેવામાં આવ્યું કે વૈજ્ઞાનિકો ઊંચાઈ પર થતા શારીરિક ફેરફારોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ વાતને વિશ્વસનીય બનાવવા માટે અમેરિકન આલ્પાઇન ક્લબ અને નેશનલ જિયોગ્રાફિક જેવી સંસ્થાઓ પાસેથી સમર્થન પત્રો પણ મેળવવામાં આવ્યા હતા. જોકે અમેરિકાના કેટલાક પર્વતારોહકોને શંકા હતી કે આ મિશન પાછળ કોઈ ગુપ્ત હેતુ છે.

 

*પરમાણુ જનરેટર સ્નેપ ૧૯ સી સાથેની જોખમી યાત્રા*

ચીનની મિસાઈલોના રેડિયો સિગ્નલ પકડવા માટે જે ઉપકરણ ડિઝાઈન કરાયું હતું તેને સતત પાવર મળી રહે તે માટે એક ન્યુક્લિયર જનરેટરની જરૂર હતી. આ માટે સ્નેપ ૧૯ સી નામનું પરમાણુ જનરેટર પસંદ કરવામાં આવ્યું હતું જેમાં પ્લુટોનિયમની કેપ્સ્યુલ્સ હતી. નાસા અગાઉ ઉપગ્રહોમાં આવા જનરેટરનો ઉપયોગ કરતું હતું. આ મિશનમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કેપ્ટન એમ એસ કોહલી કરી રહ્યા હતા જેમણે તે જ વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારત સરકારમાં પણ માત્ર બે થી ત્રણ ઉચ્ચ અધિકારીઓને જ આ મિશનની જાણ હતી.

 

*બરફના તોફાનમાં મિશન નિષ્ફળ અને મોતનો સામાન ગાયબ*

ઓક્ટોબર ૧૯૬૫માં જ્યારે આ ટીમ નંદા દેવી પર ચઢાણ કરી રહી હતી ત્યારે ભયાનક બરફનું તોફાન આવ્યું. પર્વતારોહકોના જીવ પર જોખમ તોળાતા ટીમે નિર્ણય લીધો કે ભારે ભરખમ પરમાણુ ઉપકરણને ત્યાં જ કેમ્પ ફોર નજીક સુરક્ષિત જગ્યાએ મૂકીને પાછા ફરવું. તેમણે આશરે ૨૪૦૦૦ ફૂટની ઊંચાઈએ આ સાધન છોડી દીધું હતું.

જ્યારે ૧૯૬૬માં ટીમ આ સાધન લેવા પાછી ફરી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે પરમાણુ ઉપકરણ ત્યાં ન હતું. એવું માનવામાં આવે છે કે બરફના તોફાન અને હિમપ્રપાતને કારણે તે ઉપકરણ ક્યાંક ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયું. અનેક પ્રયાસો છતાં તે આજદિન સુધી મળી શક્યું નથી.

 

*ગંગા નદીમાં રેડિયેશનનું જોખમ?*

આ ઘટના બાદ સૌથી મોટી ચિંતા એ હતી કે જો આ જનરેટરમાં રહેલું પ્લુટોનિયમ લીક થાય તો તે નંદા દેવી ગ્લેશિયરના પાણીને પ્રદૂષિત કરી શકે છે. આ પાણી આગળ જઈને ઋષિગંગા અને છેવટે પવિત્ર ગંગા નદીમાં મળે છે. પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકો આશંકા વ્યક્ત કરતા આવ્યા છે કે આ ખોવાયેલું ડિવાઈસ લાખો લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. જોકે સરકારે સમયાંતરે નદીના પાણીના નમૂના તપાસ્યા છે પણ સત્તાવાર રીતે કોઈ કિરણોત્સર્ગની પુષ્ટિ થઈ નથી. તેમ છતાં નંદા દેવીના ગર્ભમાં દટાયેલું આ પરમાણુ રહસ્ય આજે પણ એક કોયડો બનીને ઊભું છે.

 

*નંદા દેવીના બર્ફીલા તોફાનમાં 'ગુરુ રિનપોછે' બની ગયેલ મોતની સામાન: અમેરિકન જાસૂસી મિશનની વણકહેલી દાસ્તાન અને ગાયબ થયેલા પરમાણુ બોમ્બનું રહસ્ય*

હિમાલયની ગોદમાં ભારત અને અમેરિકાએ મળીને ચીન પર નજર રાખવા માટે જે અત્યંત ગુપ્ત 'ઓપરેશન નંદા દેવી' હાથ ધર્યું હતું, તેના વિશે હવે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ૬૦ના દાયકામાં બનેલી આ ઘટનામાં માત્ર પરમાણુ ઉપકરણ જ ગાયબ નથી થયું, પરંતુ તેમાં સામેલ પર્વતારોહકોએ પણ મોતને નજર સામે જોયું હતું. આ મિશન સાથે જોડાયેલી નવી કડીઓ અને તે સમયની ભયાનકતાના પુરાવા હવે બહાર આવ્યા છે.

 

*અલાસ્કામાં ટ્રેનિંગ અને 'અજાણ્યું ટેલિમેટ્રી સ્ટેશન'*

આ મિશનની ગંભીરતા એટલી હતી કે તેની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ હતી. જુલાઈ ૧૯૬૫માં અમેરિકન પર્વતારોહકોની ટીમે ભારતીય સાથીદારો સાથે અલાસ્કાના માઉન્ટ મેકકિન્લી પર ખાસ તાલીમ લીધી હતી. આ મિશન માટે જે પરમાણુ જનરેટર વપરાવાનું હતું તે અમેરિકાના ઓહાયોમાં આવેલી માઉન્ડ લેબોરેટરીઝમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને 'અનનોન ટેલિમેટ્રી સ્ટેશન' એટલે કે અજાણ્યા જાસૂસી સ્ટેશન તરીકે મોકલવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૧૯૬૫માં અમેરિકન ટીમ દિલ્હી આવી પહોંચી અને ત્યાંથી નંદા દેવીના બેઝ કેમ્પ પર રવાના થઈ.

 

*શેરપા માટે તે ગરમ કેપ્સ્યુલ 'ભગવાન' સમાન હતી*

આ મિશનની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી વાત એ હતી કે જે પ્લુટોનિયમ કેપ્સ્યુલ રેડિયેશન ફેલાવી શકતી હતી, તે કડકડતી ઠંડીમાં ગરમી આપતી હોવાથી શેરપાઓની માનીતી બની ગઈ હતી. ૫૦ પાઉન્ડ (લગભગ ૨૨.૬૮ કિલો) વજન ધરાવતું આ જનરેટર ગરમી પેદા કરતું હોવાથી ભારતીય શેરપાઓ તેને 'ગુરુ રિનપોછે' (બૌદ્ધ સંત) કહીને બોલાવતા હતા. તેઓને ખબર ન હતી કે તેમાં જીવલેણ પ્લુટોનિયમ છે, તેથી તેઓ રાત્રે તંબુમાં આ કેપ્સ્યુલની આસપાસ વીંટળાઈને હૂંફ મેળવતા અને સૂઈ જતા.

 

*"અમે ૯૯ ટકા મરી ચૂક્યા હતા..."*

આ મિશનમાં ભારતીય ગુપ્તચર એજન્સીના ૨૩ વર્ષીય યુવાન એજન્ટ અને કુશળ પર્વતારોહક સોનમ વાંગ્યાલ પણ સામેલ હતા, જે આજે ૮૩ વર્ષના છે. તે ભયાનક દિવસોને યાદ કરતા વાંગ્યાલ કહે છે કે, "અમે ૯૯ ટકા મરી ચૂક્યા હતા. પેટ ખાલી હતા, પાણી નહોતું અને અમે બરફમાં ગરકાવ થઈ રહ્યા હતા. બરફનું તોફાન એટલું ભયંકર હતું કે નજીક ઉભેલો માણસ કે દોરડું પણ દેખાતું નહોતું". કેપ્ટન કોહલી બેઝ કેમ્પ પર હોવાથી તેમને ઉપરની ભયાનક સ્થિતિનો ખ્યાલ નહોતો.

 

*ડાયરીના પાનામાં લખાયેલું મોતનું વર્ણન*

મિશન લીડર બેરી બિશપની ડાયરીમાંથી મળેલી નોંધો તે સમયની લાચારી દર્શાવે છે. ૫ ઓક્ટોબરે ખોરાક ખૂટી રહ્યો હતો, ૧૧ ઓક્ટોબરે ભારે હિમવર્ષાની આગાહી હતી, અને ૧૪-૧૫ ઓક્ટોબર સુધીમાં તો ટીમની હાલત કફોડી થઈ ગઈ હતી. સતત હિમવર્ષા વચ્ચે સભ્યોને સખત માથાનો દુખાવો થતો હતો અને ઠંડીથી ચામડી થીજી ગઈ હતી.

 

*કેમ્પ ફોર પર મહલતી ભૂલ અને મેકકાર્થીનો ગુસ્સો*

૧૬ ઓક્ટોબરે જ્યારે તોફાન ત્રાટક્યું ત્યારે ટીમ શિખરની નજીક હતી. જીવ બચાવવા માટે નીચે ઉતરવું ફરજિયાત બન્યું. ત્યારે લીડર કોહલીએ આદેશ આપ્યો કે સાધનોને ત્યાં જ સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવે. પર્વતારોહકોએ નાયલોનની દોરીઓ અને ખીલાઓ વડે પરમાણુ જનરેટર સહિતના સીઆઈએના સાધનોને કેમ્પ ફોર પર એક બરફ આચ્છાદિત ખડક પર બાંધીને છુપાવી દીધા.

 

આ નિર્ણયથી અમેરિકન પર્વતારોહક મેકકાર્થી ખૂબ ગુસ્સે ભરાયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે, "તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. જનરેટર નીચે લાવવું જ પડશે. તે માત્ર ૫૦ પાઉન્ડનું છે, શેરપાઓ તેને આસાનીથી ઉચકી શકત.". પરંતુ જમીન પરના ભારતીય અધિકારીનો આદેશ માનવા સિવાય અમેરિકનો પાસે કોઈ વિકલ્પ નહોતો. મેકકાર્થીને ત્યારે જ અંદેશો આવી ગયો હતો કે તેઓ આ કિંમતી અને જોખમી સાધન હંમેશ માટે ગુમાવી દેશે.

 

અંતે એવું જ થયું. જ્યારે ટીમ પાછી ફરી ત્યારે ત્યાં કશું જ નહોતું. તે 'ગુરુ રિનપોછે' કહેવાતું મોતનું સામાન આજે પણ નંદા દેવીના બરફમાં ક્યાંક દટાયેલું પડ્યું છે.

 

*હિમાલયમાં ખોવાયેલું એ રહસ્યમય યંત્ર એટલું ઝેરી છે કે ૪૦ ટકા ભારતવાસીઓ માટે ખતરો બની શકે છે: નાગાસાકી બોમ્બ જેવું ઘાતક મટીરીયલ અને ૨૦૨૧ની હોનારતનું કનેક્શન*

નંદા દેવી પર્વત પર ૧૯૬૫માં અમેરિકાની સીઆઈએ અને ભારતે ગુમાવેલા પરમાણુ ઉપકરણ અંગે હવે અત્યંત ચોંકાવનારી તકનીકી અને પર્યાવરણીય વિગતો સામે આવી છે. આ ઉપકરણ માત્ર લોખંડનો ટુકડો નથી, પરંતુ તેમાં રહેલું પ્લુટોનિયમ આવનારા હજારો વર્ષો સુધી રેડિયેશન ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.

 

નાગાસાકી બોમ્બ જેવું જ ઘાતક મટીરીયલ

આ ખોવાયેલા જનરેટરમાં ૧.૯ કિલોગ્રામ પ્લુટોનિયમ-૨૩૮ નામનું ઝેરી પરમાણુ તત્વ રહેલું છે. તેની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર જે પરમાણુ બોમ્બ ફેંક્યો હતો અને જેમાં ૭૦ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા, તેમાં ૬.૨ કિલોગ્રામ પ્લુટોનિયમ વપરાયું હતું. કોર્નેલ યુનિવર્સિટીના ન્યુક્લિયર એનર્જીના પ્રોફેસર ડો. ડેવિડ હેમરના જણાવ્યા મુજબ જો આ સાધન કોઈ ખોટા હાથમાં આવી જાય તો તેનો ઉપયોગ ડર્ટી બોમ્બ બનાવવા માટે પણ થઈ શકે છે.

 

*શું આ ઉપકરણ વિસ્ફોટ કરી શકે?*

નિષ્ણાતોના મતે આ ઉપકરણ કોઈ પરમાણુ બોમ્બની જેમ મોટો ધડાકો કરી શકતું નથી કારણ કે તેમાં ચેઈન રિએક્શન થાય તેવી વ્યવસ્થા નથી. આ એક આરટીજી (રેડિયોઆઈસોટોપ થર્મોઈલેક્ટ્રિક જનરેટર) હતું, જેનો ઉપયોગ ગરમીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. સામાન્ય રીતે અવકાશ યાત્રાઓમાં જ્યા સૂર્યપ્રકાશ કે અન્ય ઊર્જા સ્ત્રોત ન હોય ત્યાં આવા જનરેટર વપરાય છે. જોકે, જો આ સાધન તૂટી જાય તો રેડિયેશન લીક થવાનો ભય ચોક્કસ રહેલો છે.

 

*ગંગાના પાણી અને ૪૦ ટકા વસ્તી પર જોખમ*

સૌથી મોટી ચિંતા ભારતની જીવાદોરી સમાન ગંગા નદીને લઈને છે. નંદા દેવીના ગ્લેશિયરનું પાણી ઋષિ ગંગા અને ધૌલી ગંગામાં જાય છે. આ નદીઓ આગળ જઈને અલકનંદામાં ભળે છે અને છેવટે ભગીરથી સાથે મળીને ગંગા નદી બનાવે છે. જો પ્લુટોનિયમ-૨૩૮ નંદા દેવીના ગ્લેશિયરમાં ભળે તો તે ગંગા સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતની લગભગ ૪૦ ટકા વસ્તી પીવા માટે ગંગાના પાણી પર નિર્ભર છે. જોકે, ૧૯૭૯ના એક સરકારી રિપોર્ટ અને વૈજ્ઞાનિકોના મતે ગંગામાં પાણીનો જથ્થો એટલો વિશાળ છે કે રેડિયેશનનું પ્રમાણ ખૂબ મંદ પડી જશે અને મોટી જાનહાનિ ટળી શકે છે.

 

*શરીરના કયા અંગોને નુકસાન?*

પ્લુટોનિયમ-૨૩૮ અત્યંત ઝેરી પદાર્થ છે. નાસાના જણાવ્યા મુજબ તેનું આયુષ્ય એટલે કે હાફ લાઈફ ૮૮ વર્ષ છે, મતલબ કે દર ૮૮ વર્ષે તેની શક્તિ અડધી થાય છે. આ પદાર્થ ચામડીની આરપાર જઈ શકતો નથી, પરંતુ જો તે શ્વાસ, પાણી કે ખોરાક વાટે શરીરમાં પ્રવેશે તો લીવરને ભારે નુકસાન પહોંચાડે છે અને કેન્સરનું જોખમ અનેકગણું વધારી દે છે.

 

*૨૦૨૧ની ચમોલી હોનારત અને શંકાની સોય*

૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદા દેવી નજીક એક મોટો ખડક તૂટી પડ્યો હતો, જેના કારણે ભયંકર પૂર આવ્યું હતું અને ૨૦૦ જેટલા લોકોના મોત થયા હતા. તે સમયે આ મિશનના લીડર કેપ્ટન કોહલીએ આશંકા વ્યક્ત કરી હતી કે આ હોનારત પાછળ કદાચ તે ખોવાયેલું પરમાણુ જનરેટર જવાબદાર હોઈ શકે છે, જે અંદર ગરમી પેદા કરી રહ્યું છે.

 

*મિશન ચાલુ જ રહ્યું: ૧૯૭૩માં સફળતા મળી*

પહેલું જનરેટર ખોવાઈ ગયા પછી પણ સીઆઈએ હિંમત હારી નહોતી. ૧૯૬૭માં તેમણે નંદા દેવીના એક નીચા શિખર પર બીજું સ્ટેશન સ્થાપ્યું હતું, પણ તે પણ બરફમાં દટાઈ ગયું હતું. છેવટે ૧૯૭૩માં એક નવું ડિવાઈસ ગોઠવવામાં આવ્યું જે સફળ રહ્યું અને તેણે ચીની મિસાઈલના સિગ્નલો પકડ્યા હતા. જોકે, પાછળના વર્ષોમાં સેટેલાઇટ ટેકનોલોજી વિકસતા પહાડો પર આવા જોખમી સ્ટેશનો બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

 

*રાજકીય ઢાંકપીછોડો અને પર્દાફાશ*

૧૯૬૬માં જ્યારે ટીમ પાછી ફરી ત્યારે સાધનો ગાયબ હતા. મેકકાર્થીના મતે તે કેપ્સ્યુલ એટલી ગરમ હતી કે તેણે બરફ ઓગાળી નાખ્યો અને તે બરફની અંદર ઊંડે ઉતરી ગઈ. વર્ષો સુધી આ વાત દબાયેલી રહી, પણ 

 

૧૯૭૮માં પત્રકાર હોવર્ડ કોહેને 'આઉટસાઈડ' મેગેઝીનમાં આખો ભાંડો ફોડ્યો. દિલ્હીમાં હોબાળો મચી ગયો, પણ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ સંસદમાં કહ્યું કે ગભરાવાની જરૂર નથી. બાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે પત્ર લખીને આ મામલો સંભાળી લેવા બદલ મોરારજી દેસાઈનો આભાર માન્યો હતો.

 

આમ 'ગુરુ રિનપોછે' કહેવાતો આ  મોતનો સામાન આજે પણ નંદા દેવીના બરફમાં ક્યાંક દટાયેલ પડ્યો છે..

 

(10:30 PM IST)