<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

હાર્ડકોર' ક્રિમિનલ્સ સામેના કેસ રાજ્યો પાસેથી આંચકી લઈને "એનઆઇએ" ને સોંપવા સુપ્રીમ કોર્ટનું સૂચન

એક જ અપરાધી સામે અલગ અલગ રાજ્યોમાં અનેક એફઆઈઆર નોંધાયેલી હોય, જેને કારણે તપાસમાં વિલંબ થાય, અધિકારક્ષેત્રના પ્રશ્નો ઉભા થાય: આ વિલંબનો સીધો લાભ અપરાધીઓને મળે છે, જે સમાજ અને રાષ્ટ્રના હિતમાં નથી

નવી દિલ્હી : દેશમાં સંગઠિત ગુનાખોરી (ઓર્ગેનાઇઝડ ક્રાઈમ) અને કુખ્યાત અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વનું સૂચન કર્યું છે. કોર્ટે જણાવ્યું છે કે 'હાર્ડકોર' ક્રિમિનલ્સ સામેના કેસો જે અલગ અલગ રાજ્યોમાં ચાલી રહ્યા છે, તેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) ને સોંપી દેવા જોઈએ.

 

ચીફ જસ્ટિસ સૂર્ય કાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે એક જ અપરાધી સામે અલગ અલગ રાજ્યોમાં અનેક એફઆઈઆર નોંધાયેલી હોય છે. જેને કારણે તપાસમાં વિલંબ થાય છે અને અધિકારક્ષેત્રના પ્રશ્નો ઉભા થાય છે. આ વિલંબનો સીધો લાભ અપરાધીઓને મળે છે, જે સમાજ અને રાષ્ટ્રના હિતમાં નથી. કોર્ટે સૂચવ્યું કે કેન્દ્ર સરકાર આ અંગે કાયદાકીય માળખું ઘડી શકે છે.

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એનઆઇએ એક્ટની કલમ ૬ હેઠળ દેશની સુરક્ષા અને અખંડિતતાને અસર કરતા ગુનાઓની તપાસ એનઆઇએ પોતાના હાથમાં લઈ શકે છે. આવા તમામ કેસોને એક છત નીચે લાવીને દિલ્હીની વિશેષ કોર્ટમાં ચલાવવાથી તપાસ ઝડપી બનશે અને પુરાવાઓ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત કોર્ટે એનઆઇએ માટે પૂરતી સંખ્યામાં વિશેષ કોર્ટો સ્થાપવા પર પણ ભાર મૂક્યો હતો.

(11:15 PM IST)