<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જજ યશવંત વર્માની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ સહમત

જજે જજિસ એક્ટ, ૧૯૬૮ નો હવાલો આપીને ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રચાયેલી સમિતિને રદ કરવાની માંગ કરી છે.

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોની તપાસ માટે લોકસભા સ્પીકરે રચેલી સમિતિ સામે ખુદ જજે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માની આ અરજી સ્વીકારી છે અને લોકસભા સ્પીકરના કાર્યાલયને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

 

ઘટનાની વિગતો મુજબ, ગત ૧૪ માર્ચે દિલ્હીમાં જજના સરકારી નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં આગ લાગી હતી, ત્યારબાદ ત્યાંથી સળગેલી હાલતમાં નોટોના બંડલ મળી આવ્યા હતા. આ ઘટના બાદ જજ સામે તપાસ માટે લોકસભા સ્પીકરે ત્રણ સભ્યોની સમિતિ રચી હતી. જસ્ટિસ વર્માએ આ સમિતિની રચનાને ગેરબંધારણીય ગણાવી છે.

 

તેમના વકીલની દલીલ છે કે જજને હટાવવાની પ્રક્રિયા માટે સમિતિની રચના માત્ર લોકસભા સ્પીકર એકલા હાથે કરી શકે નહીં, તેમાં બંને ગૃહોની સંયુક્ત ભૂમિકા હોવી જોઈએ. જજે જજિસ (ઈન્ક્વાયરી) એક્ટ, ૧૯૬૮ નો હવાલો આપીને ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રચાયેલી સમિતિને રદ કરવાની માંગ કરી છે. આ મામલે હવે આગામી સુનાવણી ૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ થશે.

(11:17 PM IST)