News of Wednesday, 17th December 2025
ભારત-ઇથોપિયા દોસ્તીનો નવો અધ્યાયઃ PM મોદીનું સર્વોચ્ચ સન્માનઃ ૮ મહત્વના કરારો પર હસ્તાક્ષર
ઐતિહાસિક મુલાકાતથી આફ્રિકન રાષ્ટ્ર સાથેના સંબંધોમાં નવી ઊર્જાનો સંચારઃ AI ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે લેવાયા મહત્વના નિર્ણયો

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયા મુલાકાત માત્ર રાજદ્વારી મુલાકાત બની રહેવાને બદલે બંને દેશો વચ્ચેના અતૂટ સંબંધોનું પ્રતિક સાબિત થઈ છે. મંગળવારે જ્યારે PM મોદી ઇથોપિયા પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતની સૌથી મોટી ક્ષણ એ હતી જ્યારે ઇથોપિયાએ વડાપ્રધાન મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા હતા. આ સન્માન ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને બંને દેશો વચ્ચેના ગાઢ વિશ્વાસને દર્શાવે છે. વડાપ્રધાન મોદી અને ઇથોપિયાના PM અબી અહેમદ વચ્ચેની મુલાકાતમાં ભવિષ્યના રોડમેપ પર વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
બંને દેશો વચ્ચે કુલ ૮ મહત્વના ક્ષેત્રોમાં કરાર કરવામાં આવ્યા છે, જેમાં આર્થિક સહયોગ, સુરક્ષા અને રોકાણ જેવા પાસાઓ મુખ્ય છે. ખાસ કરીને ભારત હવે ઇથોપિયામાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મોટી મદદ કરશે, જેનાથી ત્યાંની બેંકિંગ અને ગવર્નન્સ સિસ્ટમમાં ક્રાંતિ આવશે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય ક્ષેત્રે પણ બંને દેશોએ હાથ મિલાવ્યા છે. ભારત પોતાની કળષિ ટેકનોલોજી અને દવાઓ દ્વારા ઇથોપિયાના વિકાસમાં સહભાગી બનશે, જે આફ્રિકાના આ મહત્વના દેશ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
યુવા પેઢી માટે આ મુલાકાત સૌથી વધુ લાભદાયી રહી છે. બંને નેતાઓએ નિર્ણય લીધો છે કે ભારતમાં અભ્યાસ કરવા આવતા ઇથોપિયન વિદ્યાર્થીઓ માટેની શિષ્યવળત્તિ બમણી કરવામાં આવશે. આનાથી શિક્ષણના આદાન-પ્રદાનને વેગ મળશે અને સેંકડો તેજસ્વી યુવાનોને ભારતની ટોચની સંસ્થાઓમાં ભણવાની તક મળશે. આ સાથે જ, આધુનિક યુગની જરૂરિયાત મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નવા કાર્યક્રમો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે બંને દેશોને ટેકનોલોજીના ક્ષેત્રે એકબીજાની વધુ નજીક લાવશે.
આ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ક્ષમતા નિર્માણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને ઇથોપિયાની આ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે એક ઉદાહરણ બનશે. સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે થયેલા કરારોથી ભારતીય રોકાણકારો માટે ઇથોપિયામાં નવા દ્વાર ખુલશે, જ્યારે ઇથોપિયાને ભારતના વિશાળ બજારનો લાભ મળશે. આ મુલાકાતે સાબિત કર્યું છે કે ભારત આફ્રિકા સાથેના પોતાના સંબંધોને કેટલી પ્રાથમિકતા આપી રહ્યું છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
