News of Wednesday, 17th December 2025
મહિલા ધારાસભ્યોએ એકબીજાના વાળ ખેંચ્યા અને લાફા માર્યા
મેક્સિકોની વિધાનસભામાં જબરદસ્ત હોબાળોઃ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નવી દિલ્હી તા.૧૭: સામાન્ય રીતે વિધાનસભામાં લોકો વચ્ચે બોલાચાલી થતી જોઈ હશે. જોકે હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો વિચારમાં મુકાઈ ગયા છે. આ વીડિયોમાં ધારાસભ્ય મહિલાઓ એટલી હદે ઝઘડી છે કે જેમાં તેઓ એકબીજાના વાળ ખેંચીને ઝઘડી રહી છે. સાથે જ તેમના વચ્ચે મારામારી પણ થઈ રહી છે. આ પૂરો ઘટનાક્રમ લાઈવ પ્રસારણ દરમિયાન થયો હતો, જેમાં કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આપને જણાવી દઈએ કે આ વીડિયો મેક્સિકો સિટીની વિધાનસભાનો છે. વિવાદ તે સમયે શરૂ થયો જ્યારે વિપક્ષી નેશનલ એક્શન પાર્ટી (PAN)ની મહિલા ધારાસભ્યએ નિયમ ઉલ્લંઘનના આરોપ લગાવતા વિધાનસભાના મુખ્ય પોડિયમ સુધી પહોંચી ગઈ. તેનું કહેવું હતું કે સત્તા પક્ષે પોતાના બળ પર નિયમોને કિનારે મૂક્યા છે. વિરોધને લઈને બંને પક્ષ વચ્ચે પહેલા થોડી બોલાચાલી થઈ અને પછી માહોલ બેકાબૂ બની ગયો.
વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પક્ષની મહિલા ધારાસભ્યો એકબીજાને કેવી રીતે મારી રહી છે. મહિલા ધારાસભ્યો એકબીજાને ધક્કા મારી રહી છે, કોણી મારી રહી છે, લાફા મારી રહી છે અને એકબીજાના વાળ પણ ખેંચી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ નેશનલ એક્શન પાર્ટી (PAN) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવવામાં આવ્યો કે તેમની પાર્ટી દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. જોકે સત્તા પક્ષે પોતાની તાકાત બતાવીને નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ PANની એક મહિલા ધારાસભ્યએ આ ઘટનાને શરમજનક અને લોકતાંત્રિક મર્યાદાઓ વિરુદ્ધ જણાવી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
