<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

‘બધા દેશો કટ્ટરપંથી ઇસ્‍લામિક આતંકવાદ સામે એક થાય...'

સિડની બીચ ગોળીબાર પર ટ્રમ્‍પનું નિવેદન : ઇસ્‍લામિક આતંકવાદની કડક નિંદા કરી છે

વોશિંગ્‍ટન, તા.૧૭: સિડનીમાં બોન્‍ડી બીચ પર ગોળીબારમાં ૧૩ લોકોના મોત વચ્‍ચે US પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક મહત્‍વપૂર્ણ નિવેદન આપ્‍યું છે. તેમણે બધા રાષ્‍ટ્રોને કટ્ટરપંથી ઇસ્‍લામિક આતંકવાદ સામે એક થવા હાકલ કરી છે. જણાવી દઈએ કે, યહૂદી હનુક્કાહ તહેવાર દરમિયાન સિડનીના બોન્‍ડી બીચ પર ઇસ્‍લામિક સ્‍ટેટ સાથે જોડાયેલા આતંકવાદી હુમલામાં પંદર લોકો માર્યા ગયા હતા. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે યહૂદી તહેવારની ત્રીજા દિવસે વ્‍હાઇટ હાઉસ ખાતે ઉજવણી દરમિયાન બોન્‍ડી બીચના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. વ્‍હાઇટ હાઉસ ખાતે આયોજિત હનુક્કાહ રિસેપ્‍શનમાં, ટ્રમ્‍પે હંમેશા યહૂદી સમુદાયને સમર્થન આપવાનું વચન આપ્‍યું હતું.

ઓસ્‍ટ્રેલિયન લોકોને પ્રેમ અને પ્રાર્થનાનો સંદેશ આપતા, US રાષ્‍ટ્રપતિએ કહ્યું કે, આપણે બધા માર્યા ગયેલા લોકોના શોકમાં એક થઈને ઉભા છીએ અને ઘાયલોના ઝડપી સ્‍વસ્‍થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે. બધા રાષ્‍ટ્રોએ કટ્ટરપંથી ઇસ્‍લામિક આતંકવાદના દુષ્ટતા સામે એક થવું જોઈએ. હું હંમેશા યહૂદીઓનો મિત્ર અને સમર્થક રહીશ.

ISIS સાથે જોડાયેલા હુમલા અંગે, ઓસ્‍ટ્રેલિયાના વડાપ્રધાન એન્‍થોની અલ્‍બેનીઝે જણાવ્‍યું હતું કે, તપાસના તારણો પુરાવા પર આધારિત છે. ઘટનાસ્‍થળેથી ISISનો ઝંડો ધરાવતું વાહન પણ મળી આવ્‍યું હતું. તપાસ એજન્‍સીઓએ શંકાસ્‍પદ આતંકવાદીના પુત્ર, નવીદ અકરમ અને પિતા, સાજિદ અકરમ વિશે ઘણી માહિતી મેળવી છે. અલ્‍બેનીઝ અને અન્‍ય ઘણા ઓસ્‍ટ્રેલિયન નેતાઓએ દેશમાં કડક બંદૂક કાયદાની માંગ કરી છે. ઓસ્‍ટ્રેલિયામાં અગાઉનો મોટો હુમલો ૧૯૯૬ માં તાસ્‍માનિયામાં થયો હતો, જેમાં ૩૫ લોકો માર્યા ગયા હતા.

(11:43 AM IST)