News of Wednesday, 17th December 2025
લોકશાહીના મંદિરમાં શરમજનક કૃત્ય: સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ સસ્પેન્ડ, ઘટના બાદ હવે કડક ગાઈડલાઈન બનાવવાની તૈયારી
વકીલ રાકેશ કિશોરની કરતૂતથી કાયદા જગત સ્તબ્ધ: BCIએ લાયસન્સ રદ કર્યું, કરકરડૂમા કોર્ટમાં વકીલોએ જ આરોપીને મેથીપાક ચખાડ્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નવી દિલ્હી, તા.17: દેશની સર્વોચ્ચ અદાલત, જેને ન્યાયનું અંતિમ સ્થાન માનવામાં આવે છે, ત્યાં ગઈકાલે એક એવી ઘટના બની જેણે સમગ્ર ન્યાયતંત્રને હચમચાવી દીધું છે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલ રાકેશ કિશોર દ્વારા તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અને જસ્ટિસ ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ શરમજનક ઘટના બાદ ભારતીય બાર કાઉન્સિલ (BCI) એ ત્વરિત પગલાં લેતા રાકેશ કિશોરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
સુપ્રીમ કોર્ટ હવે ઘડશે નવા નિયમો
આ અણધારી ઘટના બાદ સુપ્રીમ કોર્ટ હવે હરકતમાં આવી છે. કોર્ટની ગરિમા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે સુપ્રીમ કોર્ટ ખાસ માર્ગદર્શિકા (Guidelines) જારી કરવા અંગે વિચારણા કરી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના પ્રમુખ વિકાસ સિંહે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે પરસ્પર સૂચનો શેર કરશે. ખાસ કરીને, આવી ઘટનાઓને મીડિયામાં કઈ રીતે રિપોર્ટ કરવી જેથી કોઈને 'સસ્તી લોકપ્રિયતા' ન મળે, તે મુદ્દે પણ ભાર મૂકવામાં આવશે.
તિરસ્કારની કાર્યવાહી નહીં, પણ મર્યાદાના પાઠ
રસપ્રદ વાત એ છે કે, SCBA દ્વારા રાકેશ કિશોર સામે કોર્ટના તિરસ્કારનો કેસ ચલાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવાને બદલે સમગ્ર ન્યાયિક પ્રક્રિયાની ગરિમા વધારવા માટે માર્ગદર્શિકા જાહેર કરવાનું નક્કી કર્યું છે. કોર્ટ ઈચ્છે છે કે સંસ્થાગત મર્યાદાઓ વધુ મજબૂત બને.
કોર્ટ સંકુલમાં જ વકીલ પર હુમલો
આ ઘટનાની જ્વાળાઓ દિલ્હીની કરકરડૂમા કોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટમાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોર જ્યારે કરકરડૂમા કોર્ટ પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર અન્ય વકીલોએ તેમના પર હુમલો કર્યો હતો. વકીલોના એક જૂથે તેમને ઘેરી લીધા હતા અને ખેંચતાણ કરી ચંપલ વડે માર માર્યો હતો. નવાઈની વાત એ છે કે હુમલા દરમિયાન રાકેશ કિશોર "સનાતન ધર્મ કી જય" ના નારા લગાવતા કેમેરામાં કેદ થયા હતા. આ મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
