તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 17th December 2025
ચીનનો યુ-ટર્ન: "બાળકો પેદા કરો, ખર્ચ અમે ઉઠાવીશું!" એક સમયે એક જ બાળકની મનાઈ કરનાર ડ્રેગન હવે વસ્તી વધારવા હાથ જોડીને કરી રહ્યો છે વિનંતી
2026 સુધીમાં ચીનમાં ડિલિવરીનો તમામ ખર્ચ થશે મફત: ઘટતા જન્મદરથી ફફડી ઉઠેલી સરકારની મોટી જાહેરાત, મોંઘા શિક્ષણ અને હોસ્પિટલના બિલમાંથી મુક્તિ આપી યુગલોને મનાવવાના પ્રયાસો

બેજિંગ: દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં જેની ગણના થતી હતી તે ચીન આજે એક અજીબોગરીબ સંકટનો સામનો કરી રહ્યું છે. જે દેશે વર્ષો પહેલા 'વન ચાઈલ્ડ પોલિસી' (એક જ બાળકનો નિયમ) કડક રીતે લાગુ કરીને જનતા પર નિયંત્રણો લાદ્યા હતા, તે જ ચીન આજે યુગલોને વધુ બાળકો પેદા કરવા માટે રીતસરની આજીજી કરી રહ્યું છે. ચીન સરકારે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં આખા દેશમાં સામાન્ય બાળજન્મ એટલે કે પ્રસૂતિનો ખર્ચ સંપૂર્ણપણે મફત કરી દેવામાં આવશે.
ડિલિવરીના ખર્ચથી ડરશો નહીં, સરકાર બેઠી છે!
તાજેતરમાં યોજાયેલી નેશનલ હેલ્થ કોન્ફરન્સમાં ચીની અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે યુગલોએ હવે હોસ્પિટલના બિલો જોઈને ગભરાવાની જરૂર નથી. રાષ્ટ્રીય આરોગ્ય વીમા હેઠળ સામાન્ય પ્રસૂતિનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. જોકે, આ સુવિધા સરકારી હોસ્પિટલો સુધી મર્યાદિત રહેશે. સરકારનો હેતુ એ છે કે આર્થિક બોજને કારણે યુગલો બાળકો પેદા કરવાનું ટાળે નહીં. ચીનના સાત પ્રાંતોમાં આ 'ઝીરો ડિલિવરી કોસ્ટ' યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ પણ કરી દેવામાં આવી છે.
પૈસા પણ મળશે અને શિક્ષણ પણ ફ્રી
માત્ર ડિલિવરી જ નહીં, પણ બાળકના ઉછેર માટે પણ ચીન તિજોરી ખોલી રહ્યું છે. 1 જાન્યુઆરી, 2025 થી લાગુ થનારી નવી યોજના મુજબ, 3 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે સરકાર વાર્ષિક અંદાજે 3,600 યુઆન (ભારતીય રૂપિયામાં મોટી રકમ) ની સહાય આપશે. આ ઉપરાંત, કિન્ડરગાર્ટનના છેલ્લા વર્ષની ફી માફ કરીને શિક્ષણનો બોજ પણ ઘટાડવામાં આવ્યો છે. આ યોજનાથી ચીનના અંદાજે 2 કરોડથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે.
કેમ લેવો પડ્યો આવો નિર્ણય?
ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી જન્મદરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ચીનની 1.4 અબજની વસ્તીમાં યુવાનો કરતા વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો જન્મદર નહીં વધે તો ભવિષ્યમાં ચીન પાસે કામ કરનારા યુવાનોની અછત સર્જાશે. આ 'વસ્તી કટોકટી' (Population Crisis) ને રોકવા માટે હવે સરકાર IVF જેવી મોંઘી સારવારને પણ વીમામાં આવરી રહી છે.
એક સમયે દંડ ફટકારનાર સરકાર હવે સબસિડી અને મફત સુવિધાઓ આપીને લોકોને મનાવી રહી છે. જોકે, ચીનની જનતા હજુ પણ મોંઘવારી અને વર્ક-લાઈફ બેલેન્સને લઈને ચિંતિત છે. જોવાનું એ રહેશે કે સરકારની આ 'ફ્રી ઓફર' ચીનના ઘરમાં પારણાં ઝુલાવવામાં કેટલી સફળ રહે છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
