<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

દિલ્હીમાં પ્રદૂષણ સામે 'યુદ્ધના ધોરણે' જંગ: મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય, બેરોજગાર બનેલા મજૂરોને ₹10,000 ની આર્થિક સહાયની જાહેરાત!

ઓફિસોમાં 50% સ્ટાફ સાથે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત: મંત્રી કપિલ મિશ્રાએ ખાનગી અને સરકારી સંસ્થાઓ માટે જારી કરી કડક ગાઈડલાઈન, નિયમો તોડનારને ભારે દંડની ચીમકી

નવી દિલ્હી : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (AQI) ના સ્તરમાં થયેલા ભયજનક વધારાને રોકવા માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારે હરકતમાં આવીને અનેક મોટા નિર્ણયો લીધા છે. બુધવારે દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, પ્રદૂષણને કારણે જે મજૂરો અને કામદારોની રોજીરોટી છીનવાઈ છે, તેમને સરકાર આર્થિક ટેકો પૂરો પાડશે.
 GRAP-3 અને GRAP-4 ના કડક નિયમોને કારણે દિલ્હીમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કારણે હજારો બાંધકામ મજૂરો બેરોજગાર બન્યા છે. મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું કે, "જે મજૂરોનું કામ છેલ્લા 16 દિવસથી બંધ છે, તેવા તમામ નોંધાયેલા કામદારોના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ₹10,000 જમા કરવામાં આવશે." આ રકમ કામદારોને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આપવામાં આવી રહી છે.
: બીજો સૌથી મોટો નિર્ણય ઓફિસ જતા લોકો માટે લેવામાં આવ્યો છે. ગુરુવારથી દિલ્હીની તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ હાજર રહી શકશે. બાકીના 50 ટકા કર્મચારીઓ માટે 'ઘરેથી કામ' (Work From Home) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ આદેશનો હેતુ રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવાનો છે જેથી ધુમાડો અને પ્રદૂષણ ઓછું થઈ શકે. જોકે, હોસ્પિટલ, ફાયર બ્રિગેડ, પાણી અને વીજળી જેવી આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
 રાજકીય નિવેદનબાજી કરતા કપિલ મિશ્રાએ સ્વીકાર્યું હતું કે, "અમે પાંચ મહિનામાં 30 વર્ષ જૂનું પ્રદૂષણ દૂર કરી શક્યા નથી, આ સમસ્યા અમને વારસામાં મળી છે." તેમણે દિલ્હીવાસીઓને કારપૂલિંગ કરવા અને કામના કલાકોમાં લવચીકતા લાવવાની પણ અપીલ કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પણ ખાનગી સંસ્થા 50% હાજરીના નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ વસૂલવામાં આવશે. દિલ્હી સરકાર હવે પ્રદૂષણના આ 'સાયલન્ટ કિલર' સામે લડવા માટે આર્થિક અને વહીવટી એમ બંને મોરચે કામ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક પગલાંથી દિલ્હીની હવામાં કેટલો સુધારો થાય છે

(8:06 PM IST)