હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી આખું વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઘેનમાં હતું. કોડિંગથી લઈને સંગીત અને વીડિયો બનાવવા સુધી AI નો દબદબો રહ્યો છે. પરંતુ, હવે એક નવો ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. એક ચોંકાવનારા વિશ્લેષણ મુજબ, લોકો હવે AI દ્વારા બનાવવામાં આવતી નકલી, ભૂલભરેલી અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીથી કંટાળી રહ્યા છે. વર્ષ ૨૦૨૬ એવું વર્ષ બની શકે છે જ્યારે દુનિયા ફરીથી નવેમ્બર ૨૦૨૨ (ChatGPT ના આગમન પહેલા) ના યુગમાં જવા માટે તલપાપડ હશે.
'સ્લોપ' (Slop) બન્યો વર્ષનો સૌથી મોટો નકારાત્મક શબ્દ: જેમ રસોડાના એંઠવાડને 'સ્લોપ' કહેવામાં આવે છે, તેમ ઇન્ટરનેટ પર AI દ્વારા પિરસવામાં આવતી કચરા જેવી સામગ્રી માટે પણ હવે 'સ્લોપ' શબ્દ વપરાવા લાગ્યો છે. મેરિયમ-વેબસ્ટર ડિક્શનરીએ ૨૦૨૫ માટે આ શબ્દને પસંદ કર્યો છે. લોકો હવે એવી ડિજિટલ સામગ્રીને અડવા પણ માંગતા નથી જેમાં માનવીય સ્પર્શ કે લાગણીનો અભાવ હોય.
કેસ સ્ટડી: જ્યારે કંપનીઓએ કહ્યું 'નો AI': દુનિયાભરમાંથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં સંસ્થાઓ હવે ગર્વથી કહી રહી છે કે અમે AI નો ઉપયોગ નથી કરતા:
રેડિયો જાયન્ટ iHeartMedia: આ કંપનીએ 'ગેરંટીડ હ્યુમન' ટેગલાઇન લોન્ચ કરી છે. તેમના સંશોધનમાં જાણવા મળ્યું કે ૯૦% શ્રોતાઓ માણસો દ્વારા બનાવાયેલું સંગીત અને કાર્યક્રમો સાંભળવા માંગે છે.
ન્યૂઝ વર્લ્ડ: કેનેડાની ન્યૂઝ સાઇટ 'ધ ટાય' (The Tyee) એ 'નો-AI' નીતિ અપનાવી છે. તેઓ માણસો દ્વારા લખાયેલું પત્રકારત્વ જ પ્રકાશિત કરે છે.
હોલીવુડની ગૂંજ: હિટ શ્રેણી 'પ્લુરિબસ' (Pluribus) ના ક્રેડિટમાં ખાસ લખાયું છે કે - "આ શો માણસો દ્વારા બનાવવામાં આવ્યો છે."
વિશ્વાસનું સંકટ: AI ફિલ્ટરનો યુગ: સોશિયલ મીડિયા પર આકસ્મિક રીતે સ્ક્રોલ કરતી વખતે નકલી વીડિયોથી છેતરાયાનો અનુભવ હવે સામાન્ય બની ગયો છે. એક કલાકારે તો 'સ્લોપ ઇવેડર' નામનું બ્રાઉઝર એક્સ્ટેંશન બનાવ્યું છે, જે સર્ચ રિઝલ્ટમાં માત્ર નવેમ્બર ૨૦૨૨ પહેલાનું (શુદ્ધ માનવીય) કન્ટેન્ટ જ બતાવે છે. ન્યૂયોર્કની ગલીઓમાં પોસ્ટરો લાગ્યા છે કે, "AI તમારો મિત્ર નથી, તમારા પાડોશી સાથે વાત કરો."
૨૦૨૬: માનવ સર્જનાત્મકતાનું પુનરાગમન?: નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે ૨૦૨૬ એ '૧૦૦% હ્યુમન માર્કેટિંગ' નું વર્ષ હશે. ગ્રાહકો હવે માત્ર સુવિધા નહીં, પણ અર્થ અને સત્ય શોધી રહ્યા છે. ચેટબોટ્સ અને ઇમેજ જનરેટર્સના કારણે ફેલાતી ખોટી માહિતીએ વિશ્વાસનું મોટું સંકટ ઊભું કર્યું છે. જેમ ઓર્ગેનિક ખોરાકનું મહત્વ વધ્યું છે, તેમ હવે 'ઓર્ગેનિક કન્ટેન્ટ' એટલે કે માનવ-નિર્મિત સર્જનની માંગ વધવાની પુરી શક્યતા છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM