<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પિતાનું નિધન થયું: મમ્‍મી બીજા લગ્ન કરી છોડીને જતી રહીઃ ચાર નાના ભૂલકાં અનાથ થઈ ગયા

હિમાચલ પ્રદેશના ચમ્‍બા જિલ્‍લાની ગ્રામ પંચાયત ભજોત્રાના ગામ મટવાડામાંથી એક એવી તસવીર સામે આવી છે, જે માણસાઈને હચમચાવી નાખે : કોઈ પણ સંરક્ષણ, કોઈ પણ મદદ વિના આ ચારેય બાળકો રોજ જિંદગીની કપરી લડાઈ લડી રહ્યા છે

ચમ્‍બા તા.૧૮: હિમાચલ પ્રદેશના ચમ્‍બા જિલ્‍લાની ગ્રામ પંચાયત ભજોત્રાના ગામ મટવાડામાંથી એક એવી તસવીર સામે આવી છે, જે માણસાઈને હચમચાવી નાખે. અહીં ૪ સગીર બાળકો છે, બાળપણમાં જ તેમના માથેથી પરિવારની છત્રછાયા છીનવાઈ ગઈ છે. પહેલા પિતાનું નિધન થયું અને પછી મા પણ છોડીને નીકળી ગઈ.

ગામલોકોના જણાવ્‍યા અનુસાર, માએ બીજા લગ્ન કરી લીધા છે અને પંચાયત રેકોર્ડમાં આ બાળકો સાથે માનું નામ પણ કપાઈ ચૂક્‍યું છે. આજે આ માસૂમ પાસે ન તો માતા-પિતાનો સહારો છે, ન મકાન કે નથી ભવિષ્‍યની કોઈ ઠોસ સુરક્ષા. ૧૭ વર્ષની સૌથી મોટી બહેન આઠમા ધોરણમાં અભ્‍યાસની સાથે સાથે નાના ભાઈ-બહેનનું પાલનપોષણ માટે અભ્‍યાસ છોડવા મજબૂર બની છે. જો કે તે આગળ ભણવા માગે છે. કોઈ પણ સંરક્ષણ, કોઈ પણ મદદ વિના આ ચારેય બાળકો રોજ જિદગીની કપરી લડાઈ લડી રહ્યા છે. જ્‍યારે સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવ્‍યા તો ટીમે ગ્રાઉન્‍ડ ઝીરો પર જઈને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો.

ટીમ જ્‍યારે મટવાડ ગામ પહોંચી તો ત્‍યાંનો નજારો ધ્રુજાવી દેનારો હતો. ઘરની બહાર ત્રણ માસૂમ બાળકો પોતાના ભાઈની રાહ જોઈ રહ્યા હતા. મોટી બહેન ક્‍યારેક ક્‍યારેક મજૂરી કરી થોડા ઘણા રૂપિયા કમાઈ લાવતી હતી અને બાળકો સાથે ઘરમાં બેઠા હતા. ૧૪ વર્ષનો ભાઈ રોજી-રોટીની શોધમાં ઘરથી બહાર ગયો હતો. જે કાચા મકાનમાં આ બાળકો રહે છે. તેની હાલત એટલી જર્જરિત થઈ છે કે કોઈ પણ સમયે મકાન જમીનદોસ્‍ત થઈ શકે છે. આવનારી બરફવર્ષામાં આ ઘર પડવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ઘરની અંદરનો નજારો તો આનાથી પણ વધારે દર્દનાક હતો. એક તરફ ઢોર બાંધેલા છે અને બીજી તરફ બાળકો પોતાના બિસ્‍તર પર આંસૂ વહાવી રહ્યા છે. સામે નાનું એવું રસોડું છે, જ્‍યાં ભાઈ પાછો આવશે તો ચૂલો સળગશે તેવી બધાને આશા હતી.

હાલત એવી છે કે ભલભલાની આંખમાંથી આંસૂ આવી જાય. સરકાર પાસે ગરીબ અને નિસહાય લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્‍યમંત્રી આવાસ યોજના સહિત ઢગલાબંધ યોજનાઓ છે, પણ આ બાળકો સુધી હજુ સુધી કોઈ યોજના પહોંચી શકી નથી.

જો કે જ્‍યારે આ બાળકોની હાલત વિશે જાણવાની કોશિશ કરી તો પહેલા તો તેમણે કંઈ કહેવાની ના પાડી દીધી. પણ જે થોડું ઘણું કહ્યું તે તેમની હકીકત રજૂ કરવા માટે પૂરતું હતું. જ્‍યારે મોટી બહેનને પૂછવામાં આવ્‍યું તો તેણે જણાવ્‍યું કે તે કેટલાય વર્ષોથી આ કાચા મકાનમાં રહે છે. ચાર વર્ષ પહેલા પિતાનું મોત થઈ ચૂક્‍યું હતું. મા બીમાર હતી અને બાદમાં તેમને છોડીને જતી રહી. આજે તેઓ જાતે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

જો કે કાકાનું ઘર બાજુમાં જ છે અને તેઓ વોર્ડ મેમ્‍બર પણ છે, પણ બાળકોની સ્‍થિતિમાં કોઈ ખાસ સુધારો થઈ શક્‍યો નથી. કાકાનું કહેવું છે કે બાળકો હજુ ૧૮ વર્ષના નથી થયા. એટલા માટે સરકારી મદદ નથી મળી શકતી. નાના બાળકો સ્‍કૂલે જવા માગે છે, પણ સંસાધન અને મદદના અભાવે અભ્‍યાસમાં મુશ્‍કેલી આવી રહી છે. નાની બાળકી સાથે વાત કરવાની કોશિશ કરી તો તે ચૂપ થઈ ગઈ. કદાચ હાલાતે તેની બોલવાની શક્‍તિ છીનવી લીધી છે. હવે આશા સેવાઈ રહી છે કે સરકાર અને પ્રશાસનની નજર આ અનાથ બાળકો પર પડશે અને તેમને મકાન, શિક્ષણ તથા સંરક્ષણ જેવી પાયાની સુવિધા પૂરી પાડે જેથી આ માસૂમોનું બાળપણ અને ભવિષ્‍ય બંને સુરક્ષિત થઈ શકે. સોશિયલ મીડિયા પર આ બાળકો વાયરલ થતાં સ્‍થાનિક પ્રશાસનના ધ્‍યાનમાં આ મામલો આવ્‍યો છે અને તેમના સંરક્ષણની વાત શરુ કરી દીધી છે અને પ્રશાસનનું કહેવું છે કે બાળકોને સુખાશ્રય યોજનામાં સામેલ કરી શકે છે

 

(10:05 AM IST)